
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરાશે, ઉદ્યોગ-ટૂરિઝમને ફાયદો થશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 25-26 નવેમ્બરના રોજ જાપાનનું પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવી રહ્યું છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન બનાવવા માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં કેમ્પસમાં જ ભાષા ભવન શરૂ કરીને જાપાની ભાષાના વર્ગો શરૂ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 25 અને 26મીએ જાપાન એમ્બસીના 4 પ્રતિનિધિઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લેશે. પ્રતિનિધિઓ યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિહાળશે, કુલપતિ-ઉપકુલપતિ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરશે, યુપીએસસી ભવનની બાજુના બિલ્ડિંગમાં જ્યાં ભાષા ભવન બનવાનું છે તે સ્થળની મુલાકાત લેશે અને યુનિવર્સિટીમાં જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવાના કરાર થશે. સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણી આ સમગ્ર કામગીરીનું સંકલન કરી રહ્યા છે અને અંગ્રેજી ભવનના ડૉ.સંજય મુખર્જીને કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધિશોનું માનવું છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉદ્યોગો અને ગુજરાત ટૂરિઝમને યુનિવર્સિટીમાં શરૂ થનારા આ લેંગ્વેજ ભવનથી ફાયદો થશે. રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, જામનગરમાં બ્રાસપાટ, મોરબીમાં વિટ્રિફાઈ ટાઈલ્સ ઉદ્યોગ સહિતના ઘણા ઉદ્યોગો જાપાન દેશ સાથે ધંધાકીય વ્યવહારો કરે છે તે ઉદ્યોગકારો માટે લેંગ્વેજ ભવન ફાયદારૂપ થશે. જાપાનીઝ ભાષા શીખી અહીંથી જ જાપાનના પ્રતિનિધિ સાથે અસરકારક કોમ્યુનિકેશન કરી શકાશે. દુભાષિયા રાખવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત ટૂરિઝમને પણ ફાયદો થશે.
જાપાનથી અહીં આવતા પ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી જાપાન જતા પ્રવાસીઓ ભાષાના જાણકાર હશે તો અસરકારક પ્રત્યાયન કરી શકશે. ગુજરાતના ટૂરિસ્ટ ગાઈડ જાપાનના પ્રવાસીઓને તેની જ ભાષામાં અહીંની બાબતો સમજાવી શકશે. 25 અને 26 નવેમ્બર બે દિવસ જાપાન એમ્બસીના પ્રતિનિધિ સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં રોકાશે.સૌરાષ્ટ્રમાં સિરામિક સહિતના અલગ-અલગ શહેરમાં ઉદ્યોગો છે. જ્યાંથી ચીન, જર્મની સહિતના દેશોમાં નિકાસ થાય છે. ભાષાની સમસ્યાને કારણે ગુજરાતી ઉદ્યોગપતિઓને દુભાષીયા રાખવા પડે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે રીતે જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવા જઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી જે દેશમાં માલની નિકાસ થાય છે તે દેશની ભાષાના વર્ગો શરૂ કરવામાં આવે તો ગુજરાતી ઉદ્યોગપતિઓને ઘણી રાહત મળી રહે તેમ છે. અગાઉ આ બાબતે જાહેરાત કરાઈ હતી. પરંતુ તેનો અમલ થયો નથી.