નવી દિલ્હીઃ ઝારખંડમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. હઝારીબાગ પોલીસ, ગિરિડીહ પોલીસ અને CRPFની કોબરા બટાલિયને આજે સવારે એક અથડામણમાં ત્રણ કુખ્યાત નક્સલવાદીઓને ઠાર માર્યા છે.
આ કાર્યવાહીમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો અને માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય સહદેવ સોરેન, 25 લાખનું ઇનામી નક્સલવાદી રઘુનાથ હેમ્બ્રમ અને 10 લાખનું ઇનામ ધરાવતો બિરસેન ઠાર થયા છે.
આ અથડામણ હઝારીબાગના પાતિતિરીના જંગલોમાં થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોએ નક્સલવાદીઓને જડબાતોડ જવાબ આપીને આ ઓપરેશન સફળ બનાવ્યું હતું. આ કાર્યવાહીને કારણે “લાલ આતંક” તરીકે ઓળખાતા નક્સલવાદી જૂથને મોટો ફટકો પડ્યો છે.

