
દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર દેશના હજારો યુવાનોને સરકારી નોકરીની ભેટ આપી છે. પીએમ મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9મા રોજગાર મેળામાં જોડાયા હતા અને 51 હજાર યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો આપ્યા હતા. રોજગાર મેળામાં પીએમ મોદીએ સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર મેળવનારા યુવા ઉમેદવારોને સંબોધિત કર્યા હતા.
‘તમારા બધાના નવા જીવનનો શુભારંભ થઈ રહ્યો છે’
આ પ્રસંગે યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, ‘આજના રોજગાર મેળામાં નિમણૂક પત્ર મેળવનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. તમે બધાએ સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે. આ સફળતા તમારા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. દેશભરમાં આજે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ કાળમાં આપ સૌના નવા જીવનનો શુભારંભ થઈ રહ્યો છે.
9મો રોજગાર મેળો
મંગળવારે 9મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળાનું સમગ્ર દેશમાં કુલ 46 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે.
રોજગાર મેળો શું છે?
પીએમ મોદીએ દેશના કેન્દ્રીય વિભાગોમાં 2023ના અંત સુધીમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. PMએ અધિકારીઓને સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ક્રમમાં સરકાર દ્વારા સમયાંતરે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ પહેલા પણ 8 રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં અનેક નિમણૂંક પત્રો મળ્યા
કેન્દ્ર સરકાર દ્વારા 22 ઓક્ટોબર 2022ના રોજ પ્રથમ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 હજારથી વધુ નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. બીજા મેળામાં 71 હજાર, ત્રીજા મેળામાં 71 હજાર, ચોથા મેળામાં 71 હજાર અને પાંચમા, છઠ્ઠા અને સાતમા મેળામાં 70-70 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે અગલસતમાં આઠમા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ તમામ યુવાનો કેન્દ્ર સરકાર હેઠળના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.