વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ, 21 જૂન, 2026 – વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આજે 21 જૂનને રવિવારે REVOIના એક્ઝિક્યુટિવ એડિટર અલકેશ પટેલ સહિત પત્રકારત્વ ક્ષેત્રના પાંચ અગ્રણીનું દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.
શહેરમાં ગુજરાત યુનિવર્સિટી નજીક નોલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત (KCG) ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં શ્રી નરેન્દ્રજી ઠાકુર (અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ, રા.સ્વ. સંઘ), ડૉ. અમીબેન ઉપાધ્યાય (કુલપતિ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ), ડૉ. ભરતભાઈ પટેલ (મા. પ્રાંત સંઘચાલકજી, રા.સ્વ.સંઘ, ગુજરાત) તથા શ્રી તેજસભાઈ પટેલ (પ્રાંત પ્રચાર પ્રમુખ, રા.સ્વ.સંઘ, ગુજરાત)ના હસ્તે પત્રકારોને દેવર્ષિ નારદ સ્મૃતિ ચિહ્ન, શોલ તથા પુસ્તકથી સન્માનિત કરવામાં આવ્યા.

આ વર્ષે, 2026માં દેવર્ષિ નારદ પત્રકાર સન્માન માટે વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતની નિષ્ણાત સમિતિ દ્વારા જે વરિષ્ઠ પત્રકારોની પસંદગી કરવામાં આવી તેમાં રિવોઈ ન્યૂઝ પોર્ટલ (REVOI)ના એક્ઝિક્યુટિવ એડિટર અલકેશ પટેલનો પણ સમાવેશ થતો હતો. અલકેશ પટેલ છેલ્લા 37 વર્ષથી પત્રકાત્વના ક્ષેત્રમાં સક્રિય છે અને રાજ્યના તમામ મુખ્ય અખબારોમાં સિનિયર પોઝિશન ઉપર ફરજ બજાવી ચૂક્યા છે. આ પ્રસંગે REVOIના CMD શ્રી વિનોદભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તદઉપરાંત સંદેશ અખબારના વડોદરા આવૃત્તિના રેસિડેન્ટ એડિટર શ્રી મયૂર પાઠક, ઈલેક્ટ્રોનિક મીડિયાના શ્રી રોનક પટેલ, ગુજરાત સમાચારના કૉલમ લેખક શ્રી શિશિર રામાવતને પણ આજે દેવર્ષિ નારદ પત્રકારત્વ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સમાચારના મુંબઈ આવૃત્તિના હેડ શ્રી ભાલચંદ્રભાઈ જાનીનું તેમની દીર્ઘ કારકિર્દીને ધ્યાનમાં લઈ વિશેષ સન્માન કરવામાં આવ્યું. જ્યારે રેડિયો પત્રકારત્વ વિભાગમાં ફીવર એફએમના આરજે હાર્દિક પ્રજાપતિને સન્માનિત કરવામાં આવ્યા.

વિશ્વમાં સંવાદથી અનેક સમસ્યાનો ઉકેલ આવ્યો છે
પત્રકાર પુરસ્કાર સમારંભનાં મુખ્ય અતિથી ડૉ. અમીબેન ઉપાધ્યાએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં કહ્યું કે વિશ્વમાં સંવાદથી અનેક સમસ્યાનો ઉકેલ આવ્યો છે. તેમણે દેવર્ષિ નારદના ગુણોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આજે જે પત્રકારો સન્માનિત થઈ રહ્યા છે તેમણે એ પરંપરાનું સહજ રીતે પાલન કર્યું છે. તેમણે તેમની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી છે.
ડૉ. અમીબેને કહ્યું કે, સત્ય કહેવું જરૂરી છે પણ એ સત્ય સુધી પહોંચવું કેટલું અગત્યનું છે તે આજના આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે. જેમ શાસ્ત્રીય નૃત્ય શીખવા દીકરીઓ આવે ત્યારે તેમને સૌથી પહેલાં એ સમજાવવું પડે છે કે શું શાસ્ત્રીય નૃત્ય નથી. એ જ રીતે પત્રકારત્વના ક્ષેત્રમાં આવે ત્યારે યુવાનોને સૌપ્રથમ એ સમજ આપવી પડે કે, કઈ બાબતોને પત્રકારત્વ ન કહેવાય. અને પછી તેઓ સાચા પત્રકારત્વ તરફ આગળ વધી શકે.
આ અવસરે પોતાના ઉદ્બોધનમાં શ્રી નરેન્દ્રજી ઠાકુરે જણાવ્યું કે સત્ય ભારતીય સંસ્કૃતિનો આધાર છે. મીડિયાનું કામ સત્યને ઉજાગર કરી સમાજને જાગૃત કરવાનું છે અને સમાજ તથા રાષ્ટ્રને જો સાચી દિશામાં લઈ જવું હોય તો પત્રકારે પોતાના આદર્શો પર અડગ રહેવું પડશે. ભારતે જો વિશ્વનું નેતૃત્વ કરવું હોય તો સ્વ ને આધારે ચિંતન કરી તેનું અનુકરણ કરવું પડશે.
ભૂતપૂર્વ પ્રાંત પ્રચાર પ્રમુખ અને સંઘના અગ્રણી શ્રી વિજયભાઈ ઠાકરેએ દેવર્ષિ નારદના નામે એનાયત થતા આ એવોર્ડ અને પત્રકાર સત્કાર સમારંભની પ્રક્રિયા અને તેના ઇતિહાસની વિગતો આપી હતી.
સન્માન મેળવનાર પત્રકારો, તેમના પરિવારજનો અને મિત્રો તથા સગા-સંબંધી, ભાજપના અગ્રણીઓ સર્વશ્રી ડૉ. અનિલભાઈ પટેલ, ભરતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ વાળા, સંઘના પીઢ અગ્રણી મુકુંદરાયજી, વિશ્વ સંવાદ કેન્દ્રના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપરાંત મીડિયા ક્ષેત્રના દિગ્ગજ લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારંભને અંતે પ્રાંત પ્રચાર પ્રમુખ, રા.સ્વ.સંઘ, ગુજરાતના શ્રી તેજસભાઈ પટેલે આભારવિધિ કરી હતી.


