અમદાવાદ, 21 જુન, 2026 : Uproar as female students are allowed to enter NEET exam wearing hijab ગુજરાતમાં આજે નીટ-યુજીની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. રાજ્યમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે 211 પરીક્ષા કેન્દ્રો પર નીટ યુજીની ફરીથી પરીક્ષા યોજાઈ હતી. બપોરે 2:00 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને સઘન ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, અમદાવાદની આર. જે. ટિબ્રવાલ કોલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે ડ્રેસકોડ અને ધાર્મિક પ્રતિકોને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. પરીક્ષા કેન્દ્ર પર મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ અને અન્ય વિદ્યાર્થીઓના ગળામાં પહેરેલી કંઠી કે હાથમાં બાંધેલા ધાર્મિક દોરા બાબતે વિવાદની શરૂઆત થઈ હતી. કેટલાક સંગઠનો અને વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાની ગાઈડલાઈનનું પક્ષપાતી પાલન કરાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદના આર. જે. ટિબ્રવાલ કોલેજ પરીક્ષા કેન્દ્ર ખાતે કેટલાક વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું કે, ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ ગળાની કંઠી, હાથના દોરા અને મેટલની વસ્તુઓ ઉતારીને જ અંદર ગયા હતા. હિન્દુ વિદ્યાર્થીઓની કંઠી કઢાવવામાં આવી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે પ્રવેશ કેમ અપાયો? આ વિવાદની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને AIMIMના કાર્યકરો મોટી સંખ્યામાં આર. જે. ટિબ્રવાલ કોલેજ ખાતે પહોંચી ગયા હતા. બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ મામલો બિચક્યો હતો અને પરિસરમાં ઘર્ષણ તેમજ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવની જાણ થતા એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનના કાર્યકરોને સ્થળ પરથી હટાવી દેવાયા હતા અને નિયમભંગ બદલ 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો અવરોધ સહન કરવામાં નહીં આવે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી.


