નવી દિલ્હી: જસ્ટિસ બીઆર ગવઈએ બુધવારે સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સમારોહમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા, કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલ, વિદાયમાન ન્યાયાધીશ સંજીવ ખન્ના, અનેક કેન્દ્રીય પ્રધાનો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ન્યાયાધીશ ગવઈના પત્ની, માતા અને પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા પછી, તેમણે તેમની માતાના ચરણ સ્પર્શ કર્યા હતા.
જસ્ટિસ ખન્ના 13 મે, મંગળવારના રોજ 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાના અનુગામી તરીકે જસ્ટિસ ગવઈની ભલામણ કરી હતી. જસ્ટિસ ગવઈને 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેઓ 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્ત થશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ગવઈની નિમણૂકને સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહી છે કારણ કે તેઓ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે જી બાલકૃષ્ણન પછી ન્યાયતંત્રમાં ટોચના પદ પર પહોંચનારા અનુસૂચિત જાતિ સમુદાયના બીજા વ્યક્તિ છે.
જસ્ટિસ ગવઈ એક પ્રખ્યાત રાજકારણી, અગ્રણી આંબેડકરવાદી, ભૂતપૂર્વ સાંસદ અને અનેક રાજ્યોના રાજ્યપાલ આર.એસ. ગવઈના પુત્ર છે. નાગપુર યુનિવર્સિટીમાંથી બી.એ., એલ.એલ.બી.ની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમણે 16 માર્ચ, 1985 ના રોજ કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેમણે 1987 થી 1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરી. 1990 પછી, તેમણે મુખ્યત્વે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ સમક્ષ બંધારણીય કાયદા અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી.
14 નવેમ્બર,2003ના રોજ જસ્ટિસ ગવઈને હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. 12 નવેમ્બર, 2005ના રોજ તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ બન્યા હતા. હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, જસ્ટિસ ગવઈએ મુંબઈ ખાતે મુખ્ય બેન્ચ તેમજ નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતે તમામ પ્રકારના કાર્યભાર ધરાવતી બેન્ચનું નેતૃત્વ કર્યું હતું.
1987 સુધી (ટૂંક સમય માટે) તેમણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વ. બેરિસ્ટર રાજા એસ. ભોંસલે સાથે કાનૂની કારકિર્દીનો પાયો નાખ્યો. જસ્ટિસ ગવઈ સર્વોચ્ચ અદાલતમાં અનેક બંધારણીય બેન્ચના નિર્ણયોનો ભાગ રહ્યા છે, જેમાં નોટબંધી, કલમ 370, ચૂંટણી બોન્ડ યોજના અને SC/ST શ્રેણીઓમાં પેટા-વર્ગીકરણનો સમાવેશ થાય છે. તેમણે SC/ST માં ક્રીમી લેયર દાખલ કરવાની જોરદાર હિમાયત કરી.