Site icon Revoi.in

કર્ણાટકઃ MLA કે.સી. વિરેન્દ્ર સામે EDની ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં કાર્યવાહી, 55 કરોડ ફ્રીઝ કરાયાં

Social Share

બેંગલુરુ : પ્રવર્તન નિર્દેશાલય (ED)એ કર્ણાટકના જાણીતા નેતા અને વિધાનસભ્ય કે.સી. વિરેન્દ્ર વિરુદ્ધ ગેરકાયદે ઑનલાઇન સટ્ટાબાજી કેસમાં કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ 55 કરોડ રૂપિયાથી વધુની રકમ ફ્રીઝ કરી હતી તેમજ તેમની મર્સિડિઝ બેન્ઝ સહિત 5 લક્ઝરી કાર જપ્ત કરી છે. ઈડીના જણાવ્યા અનુસાર, કે.સી.વિરેન્દ્ર દ્વારા સંચાલિત સટ્ટાબાજી એપ્સમાંથી માત્ર એક ગેટવે મારફતે જ ટૂંકા સમયમાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે રેકેટ કેટલા મોટા પાયે ચાલતું હતું.

ઈડીની બેંગલુરુ ઝોનલ ટીમે બેંગલુરુ અને ચાલ્લાકેરે ખાતે અનેક સ્થળોએ છાપામારી કરી હતી. આ દરમિયાન 5 લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી, જેમાં વી.આઈ.પી. નંબરવાળી મર્સિડિઝ બેન્ઝ પણ સામેલ છે. સાથે જ કુલ 55 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. જેમાંથી 40.69 કરોડ રૂપિયા વિરેન્દ્રના 9 બેંક ખાતાં અને એક ડીમેટ અકાઉન્ટમાંથી, જ્યારે 14.46 કરોડ રૂપિયા 262 “મ્યુલ અકાઉન્ટ્સ”માંથી જપ્ત થયા છે. આ અકાઉન્ટ્સ સટ્ટાબાજી વેબસાઇટ્સની રકમ ફરાવવા માટે વપરાતા હતા.

આ પહેલાં 28 ઑગસ્ટે ઈડીએ ગેરકાયદે સટ્ટાબાજી કેસમાં ચાલ્લાકેરે, બેંગલુરુ, પંજિ, ગંગટોક, જોધપુર, હુબલી અને મુંબઈમાં વિરેન્દ્ર અને તેમના સાગરિતોના 31 સ્થળોએ છાપામારી કરી હતી. દરમિયાન વિરેન્દ્રની સિક્કિમના ગંગટોકથી ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેઓ ઈડીની કસ્ટડીમાં છે. ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે વિરન્દ્ર King567, Lion567 અને Raja567 જેવી અનેક ઑનલાઇન બેટિંગ સાઇટ્સ ચલાવતા હતા, જેના મારફતે થોડા સમયમાં જ 2 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ઉઘરાવવામાં આવી હતા.

ઈડી મુજબ, વિરન્દ્રનો ભાઈ કે.સી. તિપ્પેસ્વામી દુબઈમાંથી 3 કંપનીઓ ચલાવે છે, જે સીધા આ બેટિંગ અને કોલ સેન્ટર ધંધા સાથે જોડાયેલી છે. ઉપરાંત, દુબઈમાં અનેક શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી છે, જેણે પૈસાની હેરફેર અને હવાલા ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ પહેલાંના છાપામાં ઈડીએ વિરન્દ્રના સ્થળેથી 12 કરોડ રૂપિયા કેશ, 6 કરોડના સોના-ચાંદીના આભૂષણ, 10 કિલો ચાંદી અને 4 કાર જપ્ત કરી હતી.

Exit mobile version