
કર્ણાટક હિજાબ વિવાદઃ તુમકુરમાં આદેશના ઉલ્લંઘન મુદ્દે 10 વિદ્યાર્થિનીઓ સામે ફરિયાદ
બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન કર્ણાટક પોલીસે તુમકુર જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. 10 વિદ્યાર્થિનીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 17મી ફેબ્રુઆરીના રોજ તુમકુરમાં ગર્લ્સ ઈમ્પ્રેસ ગવર્નમેન્ટ પીયુ કોલેજની બહાર હિજાબ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા.
કર્ણાટક હાઈકોર્ટએ પોતાના અંતિમ નિર્દેશમાં કહ્યું હતું કે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ લાગુ છે ત્યાં ધાર્મિક વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાની મંજૂરી નથી. રાજ્ય સરકારના અલ્પસંખ્યક કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિક શૈક્ષણિક સંસ્થાનોમાં ધાર્મિક વસ્ત્રોના પ્રતિબંધ લઈને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કર્ણાટકના ગૃહમંત્રી અરંગા જનૈન્દ્રએ કહ્યું હતું કે, કોર્ટનો અંતિમ આદેશ નહીં માનનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે અન્ય ઘટનાક્રમમાં પોલસે કોંગ્રેસના નેતા મુકર્રમ ખાનની સામે તેમના વિવાદાસ્પદ ટુકડે ટુકડે ટિપ્પણી મુદ્દે કાર્યવાહી શરૂ કરી છે. કોંગ્રેસના નેતા સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો પહેરીને જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ હિજાબ વિવાદના પડઘા દેશના અન્ય રાજ્યોમાં પડ્યાં છે. અનેક રાજ્યોમાં હિજાબના મુદ્દે દેખાવો કરી રહ્યાં છે. બીજી તરફ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ ઉપર સુનાવણી ચાલી રહી છે.