
ભાવનગરઃ આજે મહિલા દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભાવનગર શહેરએ અનોખી પહેલ કરી છે. રાત્રી દરમિયાન ઈમર્જન્સી સ્થિતિમાં સારવાર માટે આવતી મહિલાઓને ખિલખિલાટ સેવાનો લાભ મળશે.
રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે સારવાર્થે ઘરેથી હોસ્પિટલ્સ તેમજ આરોગ્ય કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે. જેનો મુખ્ય ઉદેશ મહિલાઓ તેમજ બાળકને સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલ્સ સુધી પહોંચાડી તેમના આરોગ્ય ચકાસણી, દવા સહિતની સારવારની યોગ્ય રીતે સારસંભાળ થઈ શકે .સગર્ભા મહિલાઓને પ્રેગનન્સી કાળમાં કુલ ૩૬ વખત હેલ્થ ચેકઅપ માટે આ સુવિધા પુરી પાડવામાં આવે છે. પ્રસુતિ બાદ માતા અને બાળકને સાવધાનીપૂર્વક ઘરે પહોંચાડવામાં આવે છે. માત્ર એટલું જ નહીં બાળકના જન્મ બાદ બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી રસીકરણ અને જરૂરી સારવાર્થે ખીલખીલાટ દ્વારા આ સેવા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. માતાને પોસ્ટ ડીલેવરી બાદ 42 દિવસ સુધી હોસ્પિટલ ખાતે લાવવા લઈ જવા ખિલખિલાટની સેવા મળી રહેતી રહે છે. હવે ભાવનગરમાં આ સેવાનો લાભ રાત્રી દરમિયાન પણ અપાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સગર્ભા મહિલાઓને ચેકઅપ માટે ઘરેથી હોસ્પિટલ આવવા જવાં તથા 0 થી 1 વર્ષના નવજાત શીશુને ચેકઅપ માટે આવવા જવાની સેવા પુરી પાડતી ખીલખીલાટ દ્વારા માત્ર દિવસ દરમિયાન સેવા આપવામાં આવતી હતી પરંતુ ભાવનગર GVK-EMRI દ્વારા આ સેવા રાત્રી દરમિયાન પણ પુરી પાડવામાં આવે તેવો પ્લાન રાજ્ય સરકારમાં મુકવામાં આવ્યો હતો જેને રાજ્ય સરકારે મંજુર કરતા હવે ભાવનગરમાં રાત્રી દરમિયાન સગર્ભા મહિલાઓને ખીલખીલાટ સેવાનો લાભ મળશે. ભુતકાળમાં આ સેવા માત્ર દિવસ દરમિયાન આપવામાં આવતી હતી. આવા સંજોગોમાં રાત્રે ઈમર્જન્સી સ્થિતિમાં આવેલી સગર્ભા મહિલાઓને ચેકઅપ બાદ પરત જવા માટે હાલાકી પડતી હતી. હાલ આ સેવા માત્ર ભાવનગરમાં શરૂ થઈ છે જે આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થઈ શકે છે. મહિલા દિને ભાવનગરની સગર્ભા મહિલાઓ માટે આ ભેટ ગણાશે.