1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે ભવ્ય સ્વાગત કરાશે
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે ભવ્ય સ્વાગત કરાશે

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે ભવ્ય સ્વાગત કરાશે

0
Social Share

અમદાવાદઃ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 11 અને 12મી  માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા  છે.  કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવશે. વજાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી છે. વડાપ્રધાનના આગમનને લીધે ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન 11મી માર્ચના રોજ સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે જવા નીકળશે. એરપોર્ટથી લઈને ગાંધીનગરના  કમલમ કાર્યાલય સુધી તેમનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી કમલમ્ સુધીના રસ્તા પર ઠેર ઠેર ભાજપની ધજાઓ, તેમજ વડાપ્રધાનને આવકારતા બેનરો-પોસ્ટર્સ વગેરે પણ લગાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચા દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે. અંદાજે પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન 11 વાગ્યાની આસપાસ પહોંચશે, જ્યાં તેઓ ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. કમલમ ખાતે નક્કી કરેલા 430 લોકો જ હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,સરપંચ સંમેલનમાં રાજ્યમાં જિલ્લા તાલુકા તમામ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. સરપંચ સંમેલનમાં કુલ બે લાખ લોકોને ભેગા કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. 1.75 લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બાકીના 75 હજાર જેટલા કાર્યકર્તાઓએ એમ કુલ બે લાખ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ ભાજપ શહેર સંગઠન, તમામ કોર્પોરેટરો, તમામ ધારાસભ્યોને તેમજ કાર્યકર્તાઓને કામગીરીમાં લાગી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તા. 12મી માર્ચના રોજ ગાંધીનગરના વલાદ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આવશે.  સવારે 11 વાગ્યાની આસપાસ રક્ષાશક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે 6.30 આસપાસ વડાપ્રધાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકામાં પહેલીવાર ગયા હતા અને સ્ટેજ પર જે રીતે લાઈટો અને આખી વ્યવસ્થા હતી એવું સ્ટેજ સ્ટેડિયમની વચ્ચોવચ્ચ કરવામાં આવશે અને તમામ જગ્યાએ લાઈટિંગ કરવામાં આવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં એકપણ ખૂણો ખાલી ન રહે એ રીતે સ્ટેડિયમ ભરવા માટે તમામ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને પોતાના વોર્ડમાંથી લોકોને લાવવા માટે સૂચના આપી છે. સમગ્ર પેજ કમિટીમાં જેટલા સભ્યો છે તે તમામ લોકોને આ કાર્યક્રમોમાં લાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code