Site icon Revoi.in

માધવપુર ઘેડમાં કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં રૂ. 43 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે

Social Share

ગાંધીનગરઃ  વિકાસના સતત નવા કીર્તિમાન સાથે ભારતીય ઐતિહાસિક- ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં અવિરત વિકસી રહી છે. આ આધ્યાત્મિક તીર્થ સ્થળોના વિકાસ યાત્રાને સતત આગળ વધારવા પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણા- રૂક્ષ્મણી યાત્રાધામના અંદાજે કુલ રૂ. 91 કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ – રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્ટર પ્લાનમાં માધવપુર ગામમાં એકબીજાથી એક કિ.મી.જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઇ તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેના પરિણામે આ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થશે.

બીજા તબક્કામાં રૂ. 43.72  કરોડના ખર્ચે  માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, મંદિર પાસે 300 મીટર બીચ ડેવલપમેન્ટ પાર્કિંગ માટે પરિસરનો વિકાસ અને અન્ય પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક અન્ય સ્થળો જેવા કે, કાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્તો 09 મીટર પહોળો કરવો, બીચ એરિયામાં ફૂડ કિઓસ્ક અને શૌચાલય વગેરે, પાર્કિંગ અને ફૂડ કોર્ટ સાથે જ, જુદા-જુદા પ્રકારના સ્કલ્પચર, સાઇનેજીસ, ફાઉન્ટેન, સેલ્ફી પોઇન્ટ સહિત લેન્ડસ્કેપિંગનો સમાવેશ થાય છે.

જ્યારે મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 48 કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર, ચૉરી માયરાની જગ્યા, માધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલોપમેન્ટ, બ્રહ્મ કુંડ તેમજ મેળા ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આમ અંદાજે કુલ રૂ. 91 કરોડના ખર્ચે આ યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં,આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે તેથી દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ- શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે જેના પરિણામે ગુજરાત આદ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે તેમ, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ યાદીમાં જણાવાયું છે.

 

Exit mobile version