
લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રાનો જામીન ઉપર છુટકારો
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા લખીમપુર હિંસા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ સુનાવણીના અંતે આશિષ મિશ્રાના જામીન મંજૂર કર્યાં હોવાનું જાણવા મળે છે.
કેસની હકીકત અનુસાર લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી જામીન મળ્યાં છે. આશિષ મિશ્રાના પિતા અજય મિશ્રા ટેની કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી છે. લખીમપુર હિંસા કેસમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ચાર ખેડૂતો, એક પત્રકાર અને ભાજપના કાર્યકરો સામેલ હતા.
લખીમપુર ખીરી હિંસા 3 ઓક્ટોબરે થઈ હતી. આ કેસમાં SITની 5000 પાનાની ચાર્ટશીટમાં આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આશિષ મિશ્રા ઘટનાસ્થળે હાજર હતા. દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ રાજીવ સિંહની સિંગલ બેંચે આશિષ મિશ્રાને જામીન આપ્યાં છે. આવતીકાલ સુધીમાં આશિષ જેલમાંથી બહાર આવે તેવી શકયતા છે. આ પહેલા મિશ્રાએ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ ત્યાંથી અરજી ફગાવી દેવામાં આવતાં તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.