નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના બહુચર્ચિત ‘લેન્ડ ફોર જોબ‘ કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ ના સુપ્રીમો અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ફટકો પડ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 41 આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે.
લાલુએ પત્ની અને બાળકો માટે સંપત્તિ ભેગી કરી’ : કોર્ટ
સીબીઆઈની વિશેષ અદાલતે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે લાલુ પ્રસાદ યાદવે રેલ મંત્રી તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પત્ની અને બાળકો માટે અચલ સંપત્તિ એકઠી કરી હતી. કોર્ટે માન્યું કે આ કેસમાં ટ્રાયલ ચલાવવા માટે પૂરતા પુરાવા અને આધાર મોજૂદ છે. હવે આગામી પ્રક્રિયા હેઠળ ટ્રાયલ શરૂ થશે અને આરોપીઓ સામે પુરાવા રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃકાશીમાં કડકડતી ઠંડી પર આસ્થા ભારે: બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર
CBIના જણાવ્યા અનુસાર, આ કૌભાંડ વર્ષ 2004 થી 2009 દરમિયાન થયું હતું જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલ મંત્રી હતા. રેલવેના પશ્ચિમ મધ્ય ક્ષેત્ર (જબલપુર ઝોન) માં ગ્રુપ-ડીની નોકરીઓ આપવાના બદલામાં ઉમેદવારો પાસેથી જમીન લખાવી લેવામાં આવી હતી. આ જમીન લાલુ યાદવના પરિવારના સભ્યો અથવા તેમના નજીકના સંબંધીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. ચાર્જશીટમાં લાલુ યાદવ ઉપરાંત તેમની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનું નામ સામેલ છે.
તપાસ એજન્સીએ કુલ 103 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન કોર્ટે 52 આરોપીઓને પુરાવાના અભાવે આરોપમુક્ત કર્યા છે. આ કેસના 5 આરોપીઓનું સુનાવણી દરમિયાન જ મૃત્યુ નીપજ્યું છે. લાલુ પરિવારે આ તમામ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવી ફગાવી દીધા છે.


