1. Home
  2. ગુજરાતી
  3. 105મી જન્મજયંતી: 1971માં પાકિસ્તાન સામેની ભારતની અભૂતપૂર્વ જીતના મહાનાયક ફીલ્ડમાર્શલ સૈમ માનેક શૉની વીરતાને નમન
105મી જન્મજયંતી: 1971માં પાકિસ્તાન સામેની ભારતની અભૂતપૂર્વ જીતના મહાનાયક ફીલ્ડમાર્શલ સૈમ માનેક શૉની વીરતાને નમન

105મી જન્મજયંતી: 1971માં પાકિસ્તાન સામેની ભારતની અભૂતપૂર્વ જીતના મહાનાયક ફીલ્ડમાર્શલ સૈમ માનેક શૉની વીરતાને નમન

0

પારસી એક શાંતિપ્રિય અને ભારતભક્ત કોમ છે. જો કે બોલીવુડની ફિલ્મોમાં પારસીની ભાષાકીય લઢણ અને ખાસ ઉચ્ચારોને નિશાન બનાવીને તેમને મજાકના પાત્ર બનાવવામાં આવે છે. પરંતુ ભારતને લગભગ પાંચસો વર્ષની સૌથી મોટી જીતના મહાનાયક કોઈ હોય, તો તે એક પારસી હતા. બહાદૂરી ભારતમાં ભલે જાતિગત મનાતી હોય, પણ દેશભક્તિની લાગણી અને ભારતમાતાની સેવા તથા સુરક્ષા કરવાની અદમ્ય ચાહત પણ કોઈપણ વ્યક્તિમાં વીરતાનો સંચાર કરી શકે છે. આજે વાત કરવી છે, સેમ હોર્મૂસજી ફ્રેમજી જમશેદજી માનેકશૉની. હા, ભારતીય સેનાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભારતીય સેનાના પ્રથમ ફીલ્ડ માર્શલ એસ. એચ. એફ. જે. માનેક શૉ.

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધનું નેતૃત્વ ફીલ્ડ માર્શલ માનેકશૉએ કર્યું હતું અને બંગાળીઓ પર અત્યાચાર કરનારા પાકિસ્તાનના બે ફાડિયાં કરીને તેના 95 હજાર જેટલા સૈનિકોને સરન્ડર કરાવવાનું કામ ભારતીય સેના અને તેના તત્કાલિન નાયક ફીલ્ડ માર્શલ માનેકશૉએ કર્યું હતું.

ફીલ્ડ માર્શલ માનેકશૉની સૈન્ય કારકિર્દી બ્રિટિશ ઈન્ડિયન આર્મીથી શરૂ થાય છે અને ચાર દશક સુધીના તેમના મિલિટ્રી કેરિયરમાં તેમણે પાંચ ભીષણ યુદ્ધોમાં પણ ભાગ લીધો હતો.

1969માં માનેકશૉ ભારતીય સેનાના આઠમા સેનાધ્યક્ષ બન્યા અને 1971માં થયેલી પાકિસ્તાન સામેની ભીષણ લડાઈમાં ભારતને જીત અપાવીને નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ થયો તેનું શ્રેય જેટલું ઈન્દિરા ગાંધીને આપવામાં આવે છે- તેટલા જ જશના હકદાર ફીલ્ડ માર્શલ સૈમ માનેકશૉ હતા. માનેક શૉને તેમની શાનદાર કારકિર્દી દરમિયાન ઘણાં સમ્માનો પ્રાપ્ત થયા હતા અને 1972માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સમ્માનિત કર્યા હતા.

સૈમ માનેકશૉનો જન્મ 3 એપ્રિલ-1914ના રોજ પંજાબના અમૃતસરમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ હોર્મૂસજી માનેકશૉ અને માતાનું નામ હીરાબાઈ હતું. તેમના પિતા એક ડોક્ટર હતા અને ગુજરાતના વલસાડથી પંજાબમાં આવીને વસ્યા હતા. તેમણે પંજાબ અને નૈનીતાલ ખાતે શેરવુડ કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને કેમ્બ્રિજ બોર્ડની સ્કૂલ સર્ટિફિકેટની પરીક્ષામાં ડિસ્ટિંક્શન પ્રાપ્ત કર્યું હતું. 15 વર્ષની વયે સૈમ માનેકશૉ લંડન જઈને સ્ત્રીરોગના વિશેષજ્ઞ બનવા માંગતા હતા. તેમણે તેમના પિતાને આના માટે આગ્રહ કર્યો હતો. પરંતુ પિતાએ સૈમને ઉંમર નાની હોવાનું કહીને થોડોક સમય રાહ જોવાનું કહ્યું હતું. જેના કારણે માનેકશૉએ જુસ્સામાં આવીને દહેરાદૂન ખાતેની ઈન્ડિયન મિલિટ્રી એકેડમીની પ્રવેશ પરીક્ષામાં બેસવાનો નિર્ણય કર્યો અને તેમા તેઓ સફળ પણ થયા હતા. બાદમાં તેઓ પહેલી ઓક્ટોબર-1932નારોજ આઈએમએ દહેરાદૂન માટે પસંદગી પામ્યા અને  ફેબ્રુઆરી-1934ના રોજ તેઓ ત્યાંથી પાસ થઈને બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં સેકન્ડ લેફ્ટિનેન્ટ બન્યા હતા.

બ્રિટિશ ઈન્ડિયન આર્મીથી શરૂ થયેલી સૈમ માનેકશૉની મિલિટ્રી કરિયર લગભગ ચાર દશ લાંબી ચાલી હતી. તેમણે દ્વિતિય વિશ્વયુદ્ધ, ચીન સાથેનું એક અને પાકિસ્તાન સાથેના ત્રણ યુદ્ધોમાં ભાગ લીધો હતો. 1969માં ભારતીય સેનાના આઠમા સેનાધ્યક્ષ અને 1971માં પાકિસ્તાન સામે ભારતના ભવ્ય વિજય બાદ તેમને ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ પણ બનાવવામાં આવ્યા હતા.

બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં કમિશન વખતે સૈમ માનેકશૉને પહેલા દ્વિતિય બટાલિયન બાદમાં ધ રોયલ સ્કૉટ્સ નામની બ્રિટિશ બટાલિયન અને બાદમાં ચોથી બટાલિયન તથા 12મી ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ (54મી શીખ)માં નિયુક્ત કર્યા હતા.

દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન સૈમ માનેકશૉઓ 4/12 ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ સાથે બર્મામાં મોરચો સંભાળ્યો હતો અને વીરતાનો પરિચય આપ્યો હતો. બાદમાં તેમને તેમની વીરતા બદલ સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમની કંપનીના પચાસ ટકાથી વધુ સૈનિકો વીરગતિ પામ્યા હતા. પરંતુ માનેકશૉએ બહાદૂરીથી જાપાનીઓનો મુકાબલો કર્યો અને પોતાના મિશનમાં તેઓ સફળ પણ થયા હતા. એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન પગોડા હિલ પર કબજો કરવા દરમિયાન ગોળીબારમાં તેઓ ગંભીરપણે ઘાયલ થયા હતા અને તેમનું મૃત્યુ નિશ્ચિત દેખાઈ રહ્યું હતું. પરંતુ તેમને યુદ્ધક્ષેત્રમાંથી રંગૂન લાવવામાં આવ્યા અને તબીબોએ તેમની સારવાર કરીને બાદમાં તેઓ ઠીક થવા લાગ્યા હતા.

1942થી લઈને દેશની આઝાદી અને વિભાજન સુધી તેમને ઘણાં મહત્વપૂર્ણ પદો પર કામગીરી કરી હતી. 1947માં વિભાજન બાદ તેમની મૂળ યુનિટ 12મી ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ પાકિસ્તાની સેનાનો ભાગ બની ગઈ હતી. બાદમાં તેમને 16મી પંજાબ રેજિમેન્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં સૈમ માનેકશૉને ત્રીજી બટાલિયન અને પાંચમી ગોરખા રાઈફલ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વિભાજન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામગીરી કરતા માનેકશૉએ પોતાના નેતૃત્વ અને કુશાગ્રતાનો પરિચય આપ્યો અને યોજના તથા શાસન પ્રબંધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવી હતી. 1947-48માં જમ્મુ-કાશ્મીર અભિયાન દરમિયાન તેમણે યુદ્ધનિપુણતાનો પરિચય આપ્યો હતો. એક ઈન્ફન્ટ્રી બ્રિગેડનું નેતૃત્વ કર્યા બાદ તેમને મ્હો ખાતે ઈન્ફન્ટ્રી સ્કૂલના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા અને તેઓ આઠમી ગોરખા રાઈફલ્સ તથા 61મી કેવેલરીના કર્નલ પણ બન્યા હતા. તેમને જમ્મુ-કાશ્મીરમાં એક ડિવિઝનના કમાન્ડેન્ટ બનાવવામાં આવ્યા અને બાદમા ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજના કમાન્ડન્ટ તરીકેની કામગીરી પણ સોંપવામાં આવી હતી.

સૈમ માનેકશૉનો તત્કાલિન સંરક્ષણ પ્રધાન વી. કે. કૃષ્ણમેનન સાથે મતભેદ થયો હતો. જા કારણે તેમની સામે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો હતો.  તેમા સૈમ માનેકશૉ દોષમુક્ત સાબિત થયા હતા. આ વિવાદોની વચ્ચે ચીને ભારત પર આક્રમણ કર્યું અને માનેકશૉને લેફ્ટિનેન્ટ જનરલના પદે પદોન્નત કરીને સેનાની ચોથી કોર્પ્સની કમાન સંભાળવા માટે તેજપુર મોકલી દેવામાં આવ્યા હતા.

1963માં તેમને આર્મી કમાન્ડરના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું અને તેમને પશ્ચિમી કમાન્ડની જવાબદારી સોંપવામાં આવી હતી. 1964માં તેમને ઈસ્ટર્ન આર્મીના જીઓસી ઈન કમાન્ડ તરીકે શિમલાથી કોલકત્તા મોકલવામાં આવ્યા હતા. તેમણે નાગાલેન્ડમાંથી સફળતાપૂર્વક આતંકી ગતિવિધિઓનો સફાયો કર્યો અને 1968માં તેમને પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

જૂન- 1969માં સૈમ માનેશૉને ભારતીય સેનાના સેનાધ્યક્ષ બાવવામાં આવ્યા હતા. સેના પ્રમુખ તરીકે માનેકશૉએ સૈન્ય મારક ક્ષમતાને વધુ ધારદાર બનાવી અને યુદ્ધની સ્થિતિનો સામનો કરવામાં નિપુણતા પણ વધુ નિખારી હતી. તેમના સૈન્ય નેતૃત્વની ક્ષમતા ઝડપથી થઈ, જ્યારે ભારતે પશ્ચિમી પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશની મુક્તિબાહિનીનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો.

ભારતના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ એપ્રિલ-1971માં માનેકશૉને સવાલ કર્યો કે શું તેઓ યુદ્ધ માટે તૈયાર છે, તો તેમણે ત્યારે ઈન્કાર કર્યો હતો. તત્કાલિન જનરલ માનેકશૉએ કહયુ હતુ કે તેઓ નક્કી કરશે કે યુદ્ધ ક્યારે કરવામાં આવે. એવું જ થયું અને ડિસેમ્બર-1971માં ભારતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી હતી અને માત્ર પંદર દિવસમાં પાકિસ્તાની સેનાએ સરન્ડર કર્યું અને 90 હજારથી વધારે પાકિસ્તાની સૈનિકોને યુદ્ધબંધી બનાવવામાં આવ્યા હતા.

તેમની શાનદાર રાષ્ટ્રસેવાના ફળસ્વરૂપ ભારત સરકારે માનેકશૉને 1972માં પદ્મવિભૂષણથી સમ્માનિત કર્યા અને 1 જાન્યુઆરી-1973ના રોજ તેમને ફીલ્ડમાર્શલનું પદ આપવામાં આવ્યું હતું. ભારતીય સેનાના તેઓ પહેલા ફીલ્ડ માર્શલ હતા. તેમના પછી 1986માં જનરલ કે. એમ. કરિઅપ્પાને પણ ફીલ્ડમાર્શલની રેન્ક આપવામાં આવી હતી.

15મી જાન્યુઆરી-1973ના રોજ ફીલ્ડમાર્શલ માનેકશૉ રિટાયર થયા અને તેમના ધર્મપત્ની સાથે કુન્નૂરમાં વસવાટ કરવા લાગ્યા હતા. 1972માં નેપાળની સરકારે તેમને નેપાળી સેનામાં માનદ જનરલની પદવી પણ આપી હતી. સેનામાંથી રિટાયર થયા બાદ માનેકશૉ ઘણી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર નિદેશક પણ રહ્યા અને કેટલીક કંપનીઓના અધ્યક્ષ પણ બન્યા હતા.

ફીલ્ડમાર્શલ માનેકશૉનું 27 જૂન-2008ના રોજ ન્યૂમોનિયાને કારણે તમિલનાડુના વેલિંગ્ટનની સૈન્ય હોસ્પિટલમાં 94 વર્ષની વયે નિધન થયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.