Site icon Revoi.in

નડિયાદમાં લટ્ઠાકાંડ, દેશી દારૂ પીધા બાદ ત્રણના મોતનો પરિવારજનોનો આક્ષેપ

Social Share

નડિયાદઃ શહેરમાં કથિત લઠ્ઠાકાંઠે ત્રણનો ભોગ લીધો છે. શહેરના જવાહરનગર વિસ્તારના ત્રણ જણાંએ દેશી દારૂ ઢીંચ્યા બાદ અડધા કલાકમાં ત્રણેય વ્યક્તિ મોતને ભેટ્યા હોવાનો તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. અને દારૂ ક્યાથી પીધો હતો તેની તપાસ હાથ ધરી છે. દરમિયાન ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે પણ બનાવ સ્થળની તપાસ હાથ ધરી છે.

નડિયાદના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે કથિત લઠ્ઠાકાંડમાં ત્રણ વ્યક્તિઓનાં મોતની ઘટનાએ ખળભળાટ મચી ગયો હતો. માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દરમિયાન મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે. આ બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. અને બોડીને પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારના સભ્યોએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા કે, દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું છે. મૃતકોનાં નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે‌.

આ બનાવમાં મૃતકના સંબંધીઓએ મીડિયાને જણાવ્યું કે, મૃતક કનુ ચૌહાણ કાયમ વજન કાંટો લઈને જવાહરનગર ફાટક પાસે બેસતો હતો. દરરોજ દારૂ પીવે છે, આજે સાંજે પીધો હશે એટલે તેની તબિયત લથડી હતી. અમને જેવી જાણ થઈ અમે ત્યાં પહોંચ્યા અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અડધા કલાકમાં 3 વ્યક્તિઓ દારૂ પીધા બાદ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ તમામ લોકોનાં નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નડિયાદના મંજીપુરા રોડ ઉપર આવેલા જવાહરનગર વિસ્તારમાં ત્રણના મોતથી પોલીસે આ વિસ્તારમાં આવેલી જય મહારાજ સોસાયટી પાસે તપાસ‌ હાથ ધરી હતી. મૃતકનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતા ત્રણેયના મોત નીપજ્યા છે. બનાવના પગલે સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લાની LCB, SOG, DYSP, IB સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. વધુમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે પણ બનાવ સ્થળની તપાસ હાથ ધરી છે. લઠ્ઠાકાંડની આશંકાએ જોર પકડ્યું છે. શહેરમાં આવા દેશી દારૂના અડ્ડાઓ પર યુદ્ધના ધોરણે કાર્યવાહી થાય તેવી માગ પ્રબળ બની છે.