
અમદાવાદમાં કોરોનાને નાથવા કોર્પોરેશનની અનોખી પહેલઃ RTPCR ટેસ્ટિંગ ડ્રાઈવ-થ્રુ સુવિધાનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યભરમાં ટેસ્ટીંગ વધુ તેજ બનાવવામાં આવ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આરટીપીસીઆર ટેસ્ટિંગ ડ્રાઈવ-થ્રુની સુવિધા શરૂ કરી છે. જેમાં કોરોના ટેસ્ટ કરાવનારને 24થી 36 કલાકમાં જ રિપોર્ટ મળી જશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં ડોમ ઉભા કરીને પાંચ કલેકશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. જેથી હવે કારમાં બેઠા-બેઠા જે તે વ્યક્તિ કોરોના રિપોર્ટ કરાવી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જીએમડીસી ગ્રાઈન્ડમાં મનપા દ્વારા પીપીપી ધોરણે RTPCR ટેસ્ટિંગ ડ્રાઈવ-થ્રુ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડ્રાઇવ થ્રુની એન્ટ્રી કરતા સમયે લોકો પોતાના મોબાઈલથી QR કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. નોંધણી થઈ જાય એટલે ટોકન નંબર જનરેટ થશે. જે ટોકન નંબર કલેક્શન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે. ડ્રાઇવ થ્રૂ ટેસ્ટનો લાભ લેવા માટે પ્રાઇવેટ કેબમાં પણ આવી શકાશે. આ ટેસ્ટના પરીક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કર્યા મુજબ પરીક્ષણનો ખર્ચ 800 રૂપિયા રહેશે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. પહેલા રોજના 50 હજારથી વધારે ટેસ્ટ થતા હતા. જ્યારે અત્યારે 1.30 લાખથી વધારે લોકોના રોજ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લોકો ઉમટી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં જ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેથી સરકારની ચિંતામાં વધારો થયો છે.