નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક કેસની સુનાવણી દરમિયાન એક વકીલએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો મુજબ, આ વ્યક્તિએ કોર્ટરૂમની અંદર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેની અટકાયત કરી હતી. આ ઘટનાથી થોડા સમય માટે કોર્ટની કાર્યવાહી અટકી ગઈ હતી.
સુત્રોના જણાવ્યા મુજબ, કોર્ટમાં હાજર લોકોએ જણાવ્યું કે આ વ્યક્તિએ “સનાતન ધર્મનું અપમાન, નહીં સહન કરે હિંદુસ્તાન” જેવા સુત્રોચ્ચાર કર્યાં હતા. કેટલાક સાક્ષીઓએ કહ્યું કે તેણે સીજેઆઈ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો, જ્યારે અન્યોએ જણાવ્યું કે, તેણે કાગળનો રોલ ફેંક્યો હતો. આ વ્યક્તિ વકીલના કપડામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ વકીલોની દલીલો સાંભળી રહ્યાં હતા, ત્યારે એક વકીલ અચાનક દોડતો તેમની નજીક આવ્યો હતો અને પગમાંથી જૂતુ કાઢીને ચીફ જસ્ટિસ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષાકર્મીઓએ તરત જ તેને કાબૂમાં લઈ બહાર કરી દીધો હતો.
આ ઘટનાને પગલે ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ શાંત રહીને કહ્યું કે, “આવી ઘટનાઓથી મને કોઈ ફરક પડતો નથી,” અને ત્યારબાદ તેમણે કોર્ટની કાર્યવાહી ચાલુ રાખી હતી. સુપ્રીમ કોર્ટ તરફથી ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યો છે, અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.