1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ
બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ

બાંગ્લાદેશ ચૂંટણીમાં રાજકીય અથડામણમાં એક નેતાની હત્યા કરાઈ

0
Social Share

ઢાકા, 12 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં 299 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. ખુલના વિસ્તારમાં વોટિંગ દરમિયાન બીએનપી (BNP) અને જમાત-એ-ઈસ્લામીના કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક નેતાની હત્યા કરવામાં આવી છે. સત્તાવાર રીતે મતદાનના દિવસે થયેલી આ પ્રથમ હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના તૈનાત કરી દેવામાં આવી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખુલનાના આલિયા મદરેસા મતદાન કેન્દ્ર પર મતોની હેરાફેરીને લઈને વિવાદ શરૂ થયો હતો. તારિક રહેમાનની પાર્ટી BNP અને જમાતના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. આ ઘર્ષણમાં BNPના પૂર્વ કાર્યાલય સચિવ હિફઝુઝમાન કોચ્ચી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ તેજ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ગઢ ગણાતા ગોપાલગંજ સદર ઉપઝિલામાં પણ ભારે તણાવ જોવા મળ્યો છે. અહીં એક મતદાન કેન્દ્ર પર અજાણ્યા શખ્સો દ્વારા કૉકટેલ (દેશી બોમ્બ) ફેંકવામાં આવતા ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સવારથી જ આ વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.

રાજધાની ઢાકા પણ હિંસા અને આરોપ-પ્રત્યારોપથી બાકાત રહી નથી. ઢાકા-15 બેઠકના 13 બૂથ પર ખોટી રીતે મતદાન કરાવાઈ રહ્યું હોવાનો આક્ષેપ જમાત-એ-ઈસ્લામીએ કર્યો છે. ઢાકા-9 બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા તસ્નીમ ઝારાએ આરોપ લગાવ્યો છે કે તેમને બળજબરીપૂર્વક બૂથની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ચૂંટણીમાં થઈ રહેલી હિંસા અંગે BNPના અધ્યક્ષ અને વડાપ્રધાન પદના ઉમેદવાર તારિક રહેમાને ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળો અને સેનાને અપીલ કરી છે કે તેઓ તુરંત દરમિયાનગીરી કરી પરિસ્થિતિને કાબૂમાં લે જેથી મુક્ત અને ન્યાયી મતદાન થઈ શકે.

બાંગ્લાદેશમાં સરકાર બનાવવા માટે કુલ 299 બેઠકોમાંથી 150 બેઠકોની જરૂર છે. આ વખતે મુખ્ય મુકાબલો તારિક રહેમાનની BNP અને જમાત ગઠબંધન વચ્ચે હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે તારિક રહેમાન પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર છે.

આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code