અજિત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં થયેલું આકસ્મિક નિધન દેશભરના રાજકારણ માટે આઘાતજનક સમાચાર છે. આ દુઃખદ ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષ-વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અજિત પવારનું અકાળે અવસાન એક અપૂરીણીય ખોટ છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “અજિત પવાર લોકોના નેતા હતા, જેમનું જમીની સ્તરે મજબૂત જોડાણ હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબોને સશક્ત બનાવવાનો તેમનો જુસ્સો પ્રશંસનીય હતો. તેમનું નિધન ખૂબ જ ચોંકાવનારું અને દુઃખદ છે. ઓમ શાંતિ.”
રાજનાથ સિંહે કહ્યું કે, “અજિત પવાર તેમના લાંબા જાહેર જીવનમાં મહારાષ્ટ્રની સમૃદ્ધિ માટે કટિબદ્ધ રહ્યા. તેઓ લોકો પ્રત્યેની તેમની કરુણા અને જાહેર સેવા પ્રત્યેના અતૂટ સમર્પણ માટે જાણીતા હતા.”
કમલનાથએ જણાવ્યું હતું કે, “ભારતની રાજનીતિને મોટી ખોટ પડી છે, તેમણે પોતાનું જીવન મહારાષ્ટ્રની જનતા માટે સમર્પિત કર્યું હતું.” બિહારના નાયબ મુખ્યુંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે.”
સુખબીર સિંહ બાદલએ જણાવ્યું હતું કે, “પવાર પરિવાર, તેમના સમર્થકો અને મહારાષ્ટ્રની જનતા પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.” ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ અજિત પવારને ‘મહારાષ્ટ્રના મહાન સપૂત’ ગણાવતા કહ્યું કે, બજેટના માહિર અને મજબૂત અવાજ ધરાવતા નેતાની ખોટ હંમેશા વર્તાશે.
બારામતીમાં થયેલા આ અકસ્માતે સમગ્ર દેશના નેતાઓને શોકમાં ગરકાવ કરી દીધા છે. અજિત પવારની ગણના મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી અને આધુનિક વિચારધારા ધરાવતા નેતાઓ તરીકે થતી હતી.
આ પણ વાંચોઃ અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર


