મુંબઈ, 1 જૂન 2026: સુપ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે રવિવારે 89 વર્ષની વયે નિધન થયું હતું. બોલિવૂડના અન્ય એક દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની વિદાયના થોડા અઠવાડિયા બાદ જ સંગીત જગતમાંથી વધુ એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. દેશના જાણીતા પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે અવસાન થયું છે. એક જમાનામાં લતા મંગેશકરની હરોળમાં ગણાતા ગાયિકા સુમાન કલ્યાણપુર ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે’ અને ‘તુમને પુકારા ઓર હમ ચલે આયે’ ‘બહેના ને ભાઈ કી કલાઈ સે‘ જેવાં અમર ગીતો માટે પણ જાણીતા છે. આ દિગ્ગજ ગાયિકાના નિધન પર બોલિવૂડના કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારને સાંત્વના પાઠવી છે.
89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
કલ્યાણપુરના એક નજીકના મિત્રએ જણાવ્યું કે, ઉંમર સંબંધિત નાદુરસ્ત તબિયતના કારણે 31મી મે, 2026ને રવિવારે સાંજે તેમના ઘરે જ તેમનું નિધન થયું હતું. આ ગાયિકા પર મરાઠી જીવનચરિત્ર ‘સુમન સુગંધ‘ લખનારા મંગલા ખાડિલકરે પીટીઆઈ સમાચાર સંસ્થા (PTI) ને જણાવ્યું કે, “સુમનજીનું અવસાન મોટી ઉંમરના કારણે રવિવારે રાત્રે 8 વાગ્યે તેમના લોખંડવાલા સ્થિત ઘરે થયું હતું. તેમનું નિધન ખૂબ જ શાંતિપૂર્વક થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પોતાનાં જ ગીતો સાંભળી રહ્યાં હતાં.” સ્વર્ગસ્થ સુમન કલ્યાણપુરના અંતિમ સંસ્કાર આજે સોમવાર, 1 જૂનના રોજ પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની એક પુત્રી ચારુ છે.
વિતેલા જમાનાના આ ટોચનાં ગાયિકાના અવસાનના સમાચાર મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી હતી.
સુમન કલ્યાણપુરના લોકપ્રિય ગીતો
સુમન કલ્યાણપુરે 1960થી 1970ના દાયકામાં આપણા સૌનાં દિલને સ્પર્શી જાય તેવા અવાજથી દેશભરમાં ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી અને લતા મંગેશકરની સમકાલીન રહીને એક શ્રેષ્ઠ પ્લેબેક સિંગર તરીકેનો દરજ્જો મેળવ્યો હતો. તેમના સદાબહાર લોકપ્રિય ગીતોમાં ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’, ‘ના ના કરતે પ્યાર તુમ્હી સે’ અને ‘તુમને પુકારા ઓર હમ ચલે આયે’ નો સમાવેશ થાય છે. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, આસામી, કન્નડ, બંગાળી અને ઓડિયા ભાષામાં પણ અસંખ્ય ગીતો ગાયા હતા. આ સિવાય તેમણે ઠુમરી, ગઝલ અને ભક્તિ ગીતોમાં પણ પોતાનો જાદુઈ અવાજ આપ્યો હતો.


