- છેલ્લા એક સપ્તાહથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો,
- વન વિભાગે દીપડો પકડવા માટે પાંજરૂ મુક્યુ હતુ,
- સવારે દીપડો પાણીમાં ફસાયેલો જોતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી,
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડાના માટે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા. પણ દીપડો પાંજરે પુરાયો નહતો. દરમિયાન દીપડો શિકાર કરવા જતા કોતર વિસ્તારમાં ભરાયેલા પાણીમાં ફસાયો હતો. જેની ગ્રામજનોને જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ઈજાગ્રસ્ત દીપડાને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ભાદરવા પંથકમાં દીપડો દેખાઈ રહ્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં જતા પણ ગભરાતા હતા અને દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરતા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. દરમિયાનમાં ભાદરવાના મોકસી ગામે દિપડો પાણીમાં ફસાયેલી હાલતમાં નજરે પડતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટની ટીમ દ્વારા બે કલાકની જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક યુવાનો અને વન વિભાગના કર્મચારીઓના સહયોગથી દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામા સફળતા મળી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો દીપડાને જોવા લોકો ઉમટી પડ્યા હતા. દીપડો ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે ખસેડ્યો છે, દિપડો પાંજરે પુરાયો હોવાની ખબર વાયુવેગે પ્રસરતા પંથકવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

