Site icon Revoi.in

સૂત્રાપાડાના મોરાસા ગામે દીપડો 3 વર્ષની બાળકીને ઉઠાવી ગયો

Social Share

સૂત્રાપાડાઃ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં એક માનવભક્ષી દીપડાએ ત્રણ વર્ષની બાળકીને શિકાર બનાવી હતી. રાતે 9.30 કલાક આસપાસ ત્રણ વર્ષની બાળકી ઘરની બહાર હાથ ધોઇ રહી હતી ત્યારે માનવભક્ષી દીપડો તેને બોચીમાંથી ઝાલી ઉઠાવી ગયો હતો. ગ્રામજનોએ આખી રાત બાળકીની શોધ કરી હતી. દરમિયાન આજે સવારે બાળકીનાં લોહીના ધબ્બાવાળાં કપડાં અને મૃતદેહના અવશેષો મળી આવ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં એક માનવભક્ષી દીપડાએ ત્રણ વર્ષની બાળકીને શિકાર બનાવી હતી  આ ઘટના શનિવારે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસની છે. રમેશભાઈ પાલાભાઈ ચાવડાની ત્રણ વર્ષની દીકરી કુંદના ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી. તે સમયે પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. અચાનક જ દીપડો આવ્યો અને બાળકીને ઉઠાવીને લઈ ગયો.  બાળકીના પિતા રમેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, હું કંપનીમાંથી રાત્રે 8:00 વાગે ઘરે આવ્યો. અમે જમવા બેઠા હતા અને લગભગ 8:30થી 9:00 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો. અમે ત્રણ જણા જમવા બેઠા હતા અને છોકરી બહાર હાથ ધોવા ગઇ હતી. ત્યાં તો અચાનક દીપડો આવ્યો અને તેને બોચીમાંથી પકડી લઇ ગયો. અમે તેને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યા પણ હાથમાં કાંઈ આવ્યું નહીં.  પછી દૂર ગયા તો ત્યાં મારી છોકરીની ચોરણી મળી આવી, પછી થોડાક આગળ જઇને જોયું તો તેના લોહીનાં ટીંપાં મળ્યાં. જે બાદ અમે રાત્રે સાડા અગિયાર વાગ્યે વન વિભાગને જાણ કરી હતી. અમે આખી રાત શોધખોળ કર્યા બાદ આજે સવારે સાત વાગ્યે અમને તેની ડેડબોડી મળી હતી.

ખેતમજૂરી કરતા રમેશભાઈને બે દીકરી હતી, જેમાંથી એક દીકરીને દીપડાએ શિકાર બનાવી હતી. આજે વહેલી સવારે મોરાસા ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા છે. વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં પાંચ પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version