Site icon Revoi.in

સાવરકૂંડલા નજીક 6 વર્ષની બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પૂરાયો

Social Share

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં બે દિવસ પહેલા ખેત મજુરી કરતા પરપ્રાંતિ પરિવારની 6 વર્ષની બાળકી ખેતરમાં ઘર પાસે રમતી હતી ત્યારે અચાનક આવી ચડેલા દીપડો બાળકીને ઉઠાવી ગયો હતો. જોકે બુમાબુમ થતાં પરિવારે દીપડાનો પીછો કરતા દીપડો બાળકીને શિકાર કરીને પલાયન થઈ ગયો હતો. આ બનાવને પગલે ગ્રામજનોએ દીપડાને પકડવા વન વિભાગને રજુઆત કરતા વન વિભાગે પાંજરા મુક્યા હતા. દરમિયાન ગત મોડી રાત્રે દીપડો પાંજરે પૂરાયો છે. આ દીપડાને ઘટનાસ્થળ નજીકથી જ પકડવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી હતી કે, સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં બે દિવસ પહેલા વિપુલભાઈ સાવલિયાની વાડીમાં મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવાર કપાસ વીણી રહ્યું હતું ત્યારે તેમની 6 વર્ષની બાળકી રમી રહી હતી.તે દરમિયાન અચાનક દીપડો આવ્યો અને બાળકીને ઉઠાવી ગયો. પરિવારે પીછો કર્યો, પરંતુ દીપડાએ બાળકીનો શિકાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી અને મૃતદેહ છોડીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ વાડી માલિકને થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વન વિભાગને જાણ કરાતા સાવરકુંડલાના RFO સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકીના પિતાએ મૃતદેહને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ ઘટના બાદ આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.

દીપડાએ બાળકીનો શિકાર કર્યા બાદ વનવિભાગ દ્વારા તેને પકડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. લોકેશનના આધારે દીપડાનું સ્થાન શોધી કાઢવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં ઘટના બની હતી, ત્યાં જ પાંજરું ગોઠવી વનવિભાગની ટીમે દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો. સાવરકુંડલા રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કામગીરીમાં સફળતા મેળવી હતી.

Exit mobile version