1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાનો તરખાટ,પાંજરા મુકાયા છતાં દીપડો પકડાતો નથી
સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાનો તરખાટ,પાંજરા મુકાયા છતાં દીપડો પકડાતો નથી

સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાનો તરખાટ,પાંજરા મુકાયા છતાં દીપડો પકડાતો નથી

0
Social Share

ભાવનગરઃ  જિલ્લામાં સિંહ અને દીપડાંની વસતી વધી રહી છે. જેમાં છેલ્લા પંદર વીશ દિવસથી સિહોર પંથકમાં સિહોરી માતાના મંદિર સુધી દીપડાનો પરિવાર ધામા નાખીને પડયો છે અને હવે છેક શહેરના રહેણાંકી વિસ્તારમાં અવાર-નવાર પહોંચી જતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો  મંગળવારે જ સિહોરના પ્રગટનાથ ઢાળ પાસે ડુંગરમાં ઘાંચીવાડ પાસે દીપડો અને દીપડીએ દેખા દીધી હતી.લોકોને ભય મુકત કરવા વન વિભાગે દીપડાને પકડવા પાંજરૂ પણ ગોઠવ્યુ છે પણ દીપડો પકડાતો નથી. ત્યાં આજે તળાજા પંથકમાં જુની કામળોલ ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા લોકો ભયથી થરથરી રહયાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના તળાજા નજીકના જૂની કામરોલ ગામની સીમમાં ગત રાત્રી દરમિયાન નરેન્દ્રસિંહ સતુભાની વાડી પાસે દીપડાએ એક વાછરડીનું મારણ કરતા આ વિસ્તારના સીમ વાડીયોમાં વસતા ખેડૂતો અને માલધારીઓમાં ફરી ફફડાટ ફેલાયો છે.આમ તો તળાજાનાં શેત્રુંજી કાંઠા વિસ્તાર અને શેત્રુંજી નહેર કાંઠા વિસ્તારમાં સીમ વાડીમાં દિપડાની વસતી વધી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં સિંહ પરિવારે પણ ધામા નાંખ્યા છે. જેસર મહુવા રોડ પર સુરનાળાનાં ઢાળ પાસે એક કોલર આઇ ડી ગળામાં પટ્ટાવાળી સિંહણ રોડ ક્રોસ કરતો વિડીયો વાયરલ થયો હતો જેમાં સિંહણ એકદમ હળવાશનાં મુડમાં ધીમે ધીમે રોડ ક્રોસ કરે છે. જેસરની ભુમિ એટલે સાવજ ભુમિ તરીકે ઓળખાય છે. જેસર પંથક વનરાજાને માફક આવી ગયો હોય તેમ અનેક વખત સિંહ રોડ પર આવી જાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સિહોર શહેરની પૂર્વ દિશામાં જંગલ આવેલું છે. આ જંગલમાં સિહોરી માતાની આજુબાજુમાં દીપડાના પરિવારે ધામા નાખ્યા છે અને પશુઓના મારણ કરે છે.  દીપડો  સિહોર શહેરના પાદર સુધી શિકારની શોધમાં આવે છે. લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.  આ અંગે વન વિભાગને રજુઆતો કરતા પાંજરું મુકાયા બાદ જાહેર જનતાને અપીલ પણ કરી હતી કે  પર્વતીય વિસ્તારોમાં જવાનું ટાળવું, અને નાના બાળકોને એકલા મૂકવા નહીં. ઘરની આજુબાજુ સાફ સફાઇ રાખવી. રાત્રિના સમયે જંગલ આજુબાજુના વિસ્તારમાં કુદરતી હાજતે જવાનુ ટાળવું, ઘરની આજુબાજુ રાત્રિના સમયે અજવાળું રાખવું. માલ-ઢોરને રાત્રે વાડામાં પૂરીને રાખવા. ખોટી અફવાથી દૂર રહેવું. વન વિભાગના સ્ટાફને પૂરતો સહકાર આપવા અપીલ કરાઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code