ભાવનગર,15 જાન્યુઆરી 2026: ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. આ યુવાનો હણોલ ગામમાં 11 દિવસ સુધી રોકાઈ ગ્રામજીવન, સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નજીકથી અનુભવી રહ્યા હતા.
ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ રસપૂર્વક નિહાળ્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, હણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામમાં 18 જેટલી જુદી-જુદી જ્ઞાતિના લોકો વસે છે, છતાં અહીં કોઈ ભેદભાવ વિના સૌ એક પરિવારની જેમ જીવન જીવતા જોવા મળે છે. વિવિધ વિચારધારાઓ હોવા છતાં પરસ્પર સદભાવ, માનવતા અને પ્રેમથી અહીંનો સમાજ ગુંથાયેલો છે, જે આજના સમયમાં સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, જો આપણે એકબીજા પ્રત્યે સદભાવ રાખી, ભેદભાવ દૂર કરી, એકતાના સૂત્રને આત્મસાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં 2047 સુધીના ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર કરી શકીશું. હણોલ ગામમાં જોવા મળતી સમરસતાની આ વિચારધારાને સમગ્ર દેશમાં ફેલાવવાની જવાબદારી યુવાનોના ખભે છે, તેમ તેમણે અનુરોધ કર્યો હતો.
સંવાદ દરમિયાન યુવાનોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, જેમાં બિહારથી આવેલા યુવાન પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, બાબુભાઈ પરમારના ઘરે રહ્યા બાદ તેને એવું લાગ્યું કે આ તેમનું બીજું ઘર છે. અહીં મળેલો પ્રેમ અને આત્મીયતા જીવનભર યાદ રહેશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, દેશને બદલવાની જવાબદારી આપણા સૌની છે. દેશને આઝાદ કરાવવા માટે અનેક યુવાનોએ બલિદાન આપ્યા હતા. આજે બલિદાન આપવાની જરૂર નથી, પરંતુ દેશના વિકાસ માટે ઈમાનદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. સમાજમાં એકતા, સમરસતા અને સેવા ભાવના સાથે કામ કરનાર યુવાનો જ નવા ભારતનું નિર્માણ કરી શકે છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

