
વલ્લભીપુર તાલુકામાં વનરાજોના આંટાફેરા, ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મૂકવા અપીલ
ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા,માલપરા ગામની સીમમાં સિંહની હાજરી હોવા અંગે પ્રથમ ભાવનગર વન વિભાગને જાણ થયા બાદ જુનાગઢ સાસણગીરના વન વિભાગની આવી પહોંચેલી નિષ્ણાંત ટીમ દ્વારા પણ પૃષ્ટી આપવામાં આવી છે. જેથી ખેડુત અને ખેત મજુરોમાં ફફડાટ ફેલાયો છે અને ભયના લીધે ખેડુતોને મજુરો મળતા બંધ થયા છે. વન વિભાગ દ્વારા ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ કે જટકા મશીન મુકી વન્ય પ્રાણીના જીવ જોખમમાં ન મુકવા અપીલ કરવામાં આવી છે.
વલ્લભીપુર તાલુકામાં સિંહના આંટાફેરા વધી ગયા છે.ગત સપ્તાહ દરમિયાન વલભીપુર તાલુકાના પૂર્વ દિશા તરફના ગામડાંઓમાં જેમાં પાટણા,માલપરા,પાણવી અને ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર તેમજ બોટાદ તાલુકાના રોહિશાળા ગામની સીમમાં સિંહના ફુટ પ્રિન્ટ ભાવનગર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મેળવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આ અંગેની વધુ અને સચોટ કાર્યવાહી માટે સાસણ ગીરના ફોરેસ્ટ વિભાગના નિષ્ણાંતોની ટીમ આવી હતી. અને આ ટીમ દ્વારા સિંહના પગલે પગલે તેનું પગેરૂ મેળવીને સિંહની ભાળ મેળવવા માટે સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. આ ગામોની આસપાસ વિશાળ પડતર જમીનોમાં સુકાઘાસ મોટા પ્રમાણમાં હોય તેના કારણે સિંહનું લોકેશન શોધવામાં સમય લાગી રહ્યો છે. સિંહ સીમમાં વિચરતો હોવાની વાતને લઇને ખેડુતોને હાલ ખેત મજુરો મળતા નથી. જેને લઇ કપાસની છેલ્લી વીણ અને ચણાના પાક વીણવા માટે વિમાસણ ઉભી થઇ હોવાનું ખેડુતો કહી રહ્યા છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, વલ્લભીપુર પંથકમાં સિંહના પગરણ છે અને તેની સંખ્યા માત્ર જુજ છે ભાવનગર અને વલ્લભીપુર તાલુકાના ખેડુતોને ખાસ અપીલ કરી છે, કે સિંહ અંગે સર્તક રહેવુ પણ વન્ય પ્રાણીના જીવ જોખમાય તેવા વીજ કરંટ કે જટકા મશીન ન મુકવા જો આવી પ્રવૃતિ થશે તો તેવા કિસ્સામાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલ્લભીપુર તાલુકામાં સિંહના પડાવની વન વિભાગ દ્વારા પૃષ્ઠી કરાઇ છે.વલ્લભીપુર અને બોટાદના ગામની સીમમાં સિંહના ફુટ પ્રિન્ટ ભાવનગર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મેળવવામાં આવ્યા છે ત્યારે વલ્લભીપુરથી આગળ જતા કેરીયા ઢાળ અને પાટણા ગામની વચ્ચે રસ્તાની વચ્ચો વચ્ચ વનરાજા લટાર મારવા નિકળ્યા હોય તેમ બિંદાસ્ત લટાર મારી રહયાં છે. (file photo)