લોકસભા ચૂંટણી 2024: રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે ?
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગાંધી-નેહરુ પરિવારની ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા સીટોને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે કે નહીં? રાહુલ અમેઠીમાં શું નિર્ણય લેશે? સહિતના મુદ્દા ઉપર અટકળો વહેતી થઈ છે. કોંગ્રેસના જવાબદાર પદાધિકારીઓની વાત માનીએ તો આ બંને બેઠકો ગાંધી પરિવાર પાસે રહેશે. જો સોનિયા ગાંધી ચૂંટણી નહીં લડે તો પ્રિયંકા રાયબરેલીથી પોતાનું નસીબ અજમાવશે. રાહુલ ગાંધીનું અમેઠીમાંથી બહાર થવું પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાંથી રાહુલની હાર અને કોંગ્રેસના રાયપુર અધિવેશનમાં સોનિયા ગાંધીના નિવેદનથી આ બેઠકો અંગેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
રાયપુર સત્રમાં સોનિયાએ કહ્યું હતું કે ભારત જોડો યાત્રા મારી રાજકીય ઇનિંગ્સનો છેલ્લો સ્ટોપ બની શકે છે. 1977, 1996 અને 1998ની લોકસભા ચૂંટણીને બાદ કરતાં બાકીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસે રાયબરેલીથી જીત મેળવી છે. ગાંધી-નેહરુ પરિવારના ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને શીલા કૌલે લોકસભામાં રાયબરેલીનું ઘણી વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. 2004થી સોનિયા ગાંધી અહીંથી એકમાત્ર સાંસદ છે. કોંગ્રેસ 1977 પછી યુપીમાં તેના સૌથી ખરાબ તબક્કામાં છે, તેમ છતાં રાયબરેલીના લોકોએ 2019ની ચૂંટણીમાં ગાંધી પરિવારનો સાથ નથી છોડ્યો.
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, જો સોનિયા ગાંધી ચૂંટણી નહીં લડે તો પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. સંસદીય રાજનીતિમાં પ્રવેશવાનો પ્રિયંકાનો આ પ્રથમ પ્રયાસ હશે. જો કે હજુ સુધી સોનિયા વતી સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું નથી કે તેઓ ચૂંટણી નહીં લડે. જ્યારે પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણમાં નહોતા ત્યારે તેઓ રાયબરેલી અને અમેઠીમાં સક્રિય રહેતા હતા. આ કારણે આ બંને બેઠકો પર સામાન્ય મતદારો સાથેના તેમના જોડાણને કોઈ નકારી શકે નહીં. પ્રિયંકા ગાંધી માટે સંસદીય રાજકારણમાં પ્રવેશવા માટે રાયબરેલી જેટલી સલામત ભાગ્યે જ બીજી કોઈ બેઠક છે.