
લોકસભા ચૂંટણીઃ મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્યુયલ ચૂંટણીસભા યોજાઈ
અમદાવાદઃ મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ગત રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્ચુયલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેઓના હેલિકોપ્ટરમાં તકનિકી ખામી સર્જાતાં તેઓ ભોપાલથી મહેસાણા આવી શક્યા નહોતા અને તેમણે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરી હતી.
મહેસાણા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ તેમજ વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉ .સી.જે. ચાવડાના સમર્થનમાં આ સભા યોજવામાં આવી હતી.
આ સભામાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તથા મહેસાણા જિલ્લાની 6 વિધાનસભાના ધારાસભ્યો મુકેશ પટેલ, સુખાજી ઠાકોર, કરશનભાઈ સોલંકી, સરદારભાઈ ચૌધરી, કિરીટ પટેલ, તથા મહેસાણા જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશ રાજગોર, મહા મંત્રી ઉપરાંત દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી, જિલ્લા બેંકના ચેરમેન વિનોદ પટેલ, મહેસાણા નગરપાલિકા પ્રમુખ ડો. મિહિર પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃશાબેન પટેલ, ઉપરાંત મોટી સંખ્યા માં મહિલા કાર્યક્રરોઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા વર્ચ્યુઅલ જોડાયા હતા અને સંબોધન કર્યું હતું જેમાં તેમણે મહેસાણા ના પહોંચવા બદલ ઉપસ્થિત તમામ નેતાઓ અને જનતાની ક્ષમા માગી હતી. ત્યાર બાદ કહ્યું કે, “દેશ નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ પર ચાલી રહ્યો છે ત્યારે આ વખતે પણ વિકાસની જીત થશે. મહેસાણામાં હરિભાઈ પટેલ મોટી લીડથી જીતવાના છે.” કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ઉપસ્થિત જનમેદનીને રાષ્ટ્રના વિકાસ માટે વિકસિત ભારત બનવા માટે બીજેપીના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.