લોકસભા ચૂંટણી 2024: વિપક્ષ એકતા અભિયાનની વાતોથી મમતાએ અંતર બનાવ્યું
નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ રાહુલ ગાંધી, નિતિશ કુમાર, શરદ પવાર સહિતના સિનિયર રાજકીય આગેવાનો વિપક્ષને એક કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ વિપક્ષી એકતાના આ અભિયાનથી પોતાને દૂર કરી દીધું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, અમે 2024ની ચૂંટણી એકલા હાથે લડીશું. કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાણ નહીં કરે. મમતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના જન્મદિવસે મંચ પરથી વિપક્ષી એકતાનું ઉદાહરણ લાવ્યું હતું. મંચ પરથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિપક્ષી દળોને સાથે આવવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જે લોકો બીજેપીને હરાવવા માંગે છે, મને વિશ્વાસ છે કે તેઓ અમારી તરફેણમાં વોટ કરશે. તેમણે દાવો કર્યો કે, લોકો તેમની સાથે છે અને આશા છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ આવું જ થશે. બંગાળના સીએમ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં બોલી રહ્યા હતા. મમતાએ કહ્યું હતું કે, જે લોકો CPI(M) અને કોંગ્રેસને વોટ આપી રહ્યા છે, તેઓ વાસ્તવમાં બીજેપીને જ વોટ આપી રહ્યા છે. આ સત્ય આજે જ સામે આવ્યું છે.