
નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવી છે, બીજી તરફ ભાજપ અને જેડીયુ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. દરમિયાન નીતિન કુમાર વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યાં છે, એટલું જ નહીં તેઓ વિપક્ષને એક છત નીચે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે એટલે આગામી દિવસોમાં દિલ્હીના પ્રવાસે જશે અને મિશન 2024 અંગે વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
બિહારમાં NDAથી JDU અલગ થયા બાદ નીતિશ કુમારને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરમાં પણ જેડીયુના ધારાસભ્યો નીતિશ કુમારને છોડીને ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં હવે ધારાસભ્યોને લઈને નીતિશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ એનડીએથી અલગ થયા, ત્યારે મણિપુરના તમામ છ ધારાસભ્યો આવ્યા અને તેમને મળ્યા, તેમને ખાતરી આપી કે તેઓ જેડીયુ સાથે છે.
નીતિશ કુમારે કહ્યું કે, શું થઈ રહ્યું છે તે વિશે આપણે વિચારવાની જરૂર છે. ધારાસભ્યો પક્ષો સાથેના સંબંધો કેમ તોડી રહ્યા છે, જે બંધારણીય છે. તેમણે વધુમાં કહ્યું કે, 2024ની ચૂંટણી માટે વિપક્ષ એકજૂટ થશે. ભાજપ વિરુદ્ધ સીએમ નીતિશનું ‘દિલ્હી મિશન’ માત્ર વિપક્ષના નેતાઓને એક કરવાનું છે.
મુખ્યમંત્રી નીતીશ કુમાર 5 સપ્ટેમ્બરે ત્રણ દિવસના દિલ્હી પ્રવાસ પર રવાના થઈ શકે છે. આ દરમિયાન તેઓ ઘણા મોટા નેતાઓને મળશે. આ દરમિયાન દિલ્હીમાં વિપક્ષના નેતાઓને એક કરવા પર વાતચીત કરવામાં આવશે. સીએમ નીતિશ કુમારે પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, 2024માં થનારી સામાન્ય ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. વિપક્ષના નેતાઓને એક કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.