Site icon Revoi.in

આંગણવાડીમાં 9000 જગ્યાઓ માટે મામલતદાર કચેરીઓમાં ફોર્મ ભરવા લાંબી લાઈનો

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારે આંગણવાડી વર્કરો અઅને હેલ્પરોની 9000 જગ્યાઓ ભરવાની જાહેરાત કર્યા બાદ ફોર્મ ભરવા માટે જરૂરી દાખલાઓ મેળવવા માટે રાજ્યભરની મામલતદાર કચેરીઓમાં વહેલી સવારથી મહિલાઓની લાંબી જોવા મળી રહી છે. આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે. ફોર્મ ભરવા માટે મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત છે. આ દાખલો કઢાવવા ગુજરાતની મામલતદાર કચેરીઓમાં પડે એના કટકા જેવી સ્થિતિ સર્જાઈ છે. 9 હજારથી વધુ જગ્યા અને 24 હજાર પગાર માટે મહિલાઓ રીતસરની ઊમટી પડી છે.

ગુજરાત સરકારે શહેરો અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડીઓમાં વર્કરો અને હેલ્પરોની ખાલી જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં જાહેરાત કરી છે. અને 9000 જગ્યાઓ માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ફોર્મ ભરવા માટે મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત છે. એટલે  દાખલો કઢાવવા મહિલાઓ વહેલી સવારથી મામલતદાર કચેરીઓમાં લાઈનો લગાવી દે છે. રાજ્યના અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ અને વડોદરાની મામલતદાર કચેરીએ મહિલાઓની લાંબી લાઈનો સવારથી જોવા મળી હતી.

રાજકોટ મામલતદાર કચેરીએ મહિલાઓ વહેલી સવારથી જ રહેઠાણના દાખલા માટે લાંબી લાઇન લગાવી ઊભા હતા. કોઈક મહિલા પોતાના બાળક સાથે તો કોઈક મહિલા પોતાના પતિ કે પરિવારના સભ્ય સાથે જોવા મળી હતી. લોકો પોતાના કામધંધા છોડીને રહેઠાણના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. જ્યારે જૂનાગઢમાં આંગણવાડીના ફોર્મ ભરવા મહિલાઓને રહેઠાણના પુરાવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ​રહેઠાણના પુરાવાને લઈને હેરાન કરાતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.

વડોદરા શહેરમાં આંગણવાડીમાં ભરતીપ્રક્રિયાને લઈ વિવિધ ઝોન મામલતદાર કચેરી ખાતેથી રહેઠાણના પુરાવા અંગેના ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આંગણવાડીમાં ફોર્મ ભરવા રહેઠાણના પુરાવા માટે લાઇનમાં ઊભેલા મહિલાઓએ જણાવ્યું હતું કે અમે રહેઠાણના પુરાવા માટેના ફોર્મ માટે આવ્યા છીએ. વરસાદ ચાલુ છે ત્યારે લાઈનમાં ઊભું રહેવું પડે છે. જોકે આજે લાઇન ઓછી છે, પરંતુ તકલીફ પડી રહી છે.