- મોડી રાતે 3 વાગે ડ્રાઈવરને ઝોકું આવી જતા બન્યો બનાવ,
- લક્ઝરી બસ રોડ સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ,
- બસમાં પ્રવાસ કરી રહેલા 30 પ્રવાસીઓનો બચાવ
ધંધુકાઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત આજે વહેલી પરોઢે ધંધુકા-રોજકા વચ્ચે હાઈવે પર સર્જાયો હતો. સુરતથી આવી રહેલી શક્તિ ધામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રોજકા અને ધંધુકા વચ્ચેના માર્ગ પર મોડી રાત્રે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
અકસ્માતના આ બનાવની વિગતો એવી છે કે, ધૂંધુકા -રોજકા હાઈવે પર આજે વહેલી પરોઢે 3 વાગ્યા આસપાસના સમયે સુરતથી આવી રહેલી શક્તિધામ ટ્રાવેલ્સની બસના ચાલકને ઝોકૂં આવી જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આથી બસમાં પ્રવાસીઓએ બુમાબુમ કરી હતી. બસમાં 30 ઉપરાંત મુસાફરો સવાર હતા, જેમાં 15 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થતો હતો. ઘટનાની જાણ થતાં જ ધોલેરા અને ધંધુકાની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જોકે, કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવમાં પોલીસે બસચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે,