
મધ્યપ્રદેશઃ લગ્ન પહેલા વરરાજાએ મિત્રોને પાર્ટી આપવા માટે બેંકમાં ચોરીના ગુનાને આપ્યો અંજામ
ભોપાલઃ મધ્યપ્રદેશના બરવાડામાં એક યુવાને લગ્ન માટે બેંકમાં ચોરી કરી હતી. યુવાને લગ્ન પહેલા મિત્રોને પાર્ટી આપવા માટે બેંકમાંથી ચોકી કરી હોવાનું જાણવા મળે છે. બેંકમાંથી લગભગ રૂ. દોઢ લાખની ચોરી થઈ હતી. પોલીસે આ પ્રકરણમાં લગ્ન પહેલા જ ચોરી કરનારા વરરાજાની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના કટની જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલી ગ્રામીણ બેંકમાં તાજેતરમાં ચોરી થઈ હતી. બેંકમાંથી રૂ. દોઢ લાખની ચોરી થઈ હતી અને તેની માહિતી ત્યારે મળી જ્યારે બેંક સ્ટાફ બીજા દિવસે બ્રાંચ પર પહોંચ્યો અને જોયું કે બેંકની એક દિવાલ તૂટેલી હતી અને લોકરમાંથી પૈસા ગાયબ હતા. આ બનાવ અંગે મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, બડવારા પોલીસ વિસ્તારના રોહનિયા ગામનો સુભાષ યાદવ કોઈ કારણ વગર મિત્રોને પાર્ટી આપી રહ્યો છે. જેથી પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરી હતી. લગ્નને લઈને મિત્રોને પાર્ટી આપવા માટે બેંકમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે લગ્ન પહેલા જ તેને દબોચી લીધો હતો.
(PHOTO-FILE)