Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડુબી જવાથી ચાર બાળકોના મોત

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે. દરમિયાન યમવતમાલના દારવ્હામાં રેલવેના ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં ચાર બાળકો પડ્યાં હતા. આ ચારેય બાળકોના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત થયાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક બાળકોની ઉંમર 10 થી 14 વર્ષની હતી.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકો ફ્લાયઓવરના બાંધકામ સ્થળ નજીક રમી રહ્યા હતા. થાંભલા લગાવવા માટે ખોદવામાં આવેલો મોટો ખાડો વરસાદના પાણીથી ભરાઈ ગયો હતો. એવી આશંકા છે કે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા અથવા કદાચ તરવાનો પ્રયાસ કરતા હતા, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા અને તેમનું મોત થયું. મૃતક બાળકોની ઓળખ રિહાન અસલમ ખાન (ઉ.વ. 13), ગોલુ પાંડુરંગ નારનવરે (ઉ.વ.10), સૌમ્યા સતીશ ખડસન (ઉ.વ. 10) અને વૈભવ આશિષ બોધલે (ઉ.વ. 14) તરીકે થઈ છે. આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ તરવૈયાઓએ ચારેય બાળકોની શોધખોળ આરંભી હતી.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે જ પ્રશાસને બાંધકામ કંપનીની બેદરકારીની પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરી છે.