મુંબઈઃ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુરનું નામ બદલીને ઈશ્વરપુર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે સાંગલી જિલ્લાના ઇસ્લામપુરનું નામ બદલીને ઈશ્વરપુર કરવામાં આવી રહ્યું છે. રાજ્ય વિધાનસભામાં ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી હતી.
ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કેબિનેટના નિર્ણયને મંજૂરી માટે કેન્દ્રને મોકલશે. હિન્દુ સંગઠન શિવ પ્રતિષ્ઠાન દ્વારા ઇસ્લામપુરનું નામ બદલીને ઈશ્વરપુર કરવાની માંગણી સાથે સાંગલી કલેક્ટરેટને આવેદનપત્ર મોકલ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. શિવ પ્રતિષ્ઠાનના પ્રમુખ સંભાજી ભીડે છે. તેમના સમર્થકો કહે છે કે જ્યાં સુધી આ માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ શાંત નહીં રહે. ઇસ્લામપુરના શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે નામ બદલવાની માંગ 1986 થી પેન્ડિંગ છે.