નવી દિલ્હી : ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે ભારે ઠંડી સાથે અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમારના દરિયાકાંઠે સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે તેવી ધારણા છે.
IMDના જણાવ્યા મુજબ, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં હાલ એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. સાથે જ પૂર્વ બાંગ્લાદેશ અને નજીકના વિસ્તારોમાં ઉપર-હવાના સ્તરે પણ ચક્રવાતી પ્રવૃત્તિ નોંધાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા છે. 5 નવેમ્બરે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ તથા હિમવર્ષા થઈ શકે છે. તેમજ પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ પડવાની આગાહી છે.
પૂર્વ ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફાંકાવાની શકયતા છે. પશ્ચિમ ભારતમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, મરાઠવાડા, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળી સાથે વરસાદ અને વાવાઝોડા થઈ શકે છે. દક્ષિણ ભારતમાં 6 નવેમ્બર સુધી તમિલનાડુ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં તથા 5 થી 7 નવેમ્બર દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુસાર, આગામી 48 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં હાલનું તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યાર બાદના 3 થી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પૂર્વ ભારતમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા છે.

