1. Home
  2. ગુજરાતી
  3. TMC સંસદીય દળમાં મોટા ભંગાણના એંધાણ, 22 સાંસદો બળવાના મૂડમાં!
TMC સંસદીય દળમાં મોટા ભંગાણના એંધાણ, 22 સાંસદો બળવાના મૂડમાં!

TMC સંસદીય દળમાં મોટા ભંગાણના એંધાણ, 22 સાંસદો બળવાના મૂડમાં!

0
Social Share

કોલકાતા, 6 જૂન 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની સત્તા ગુમાવ્યા બાદ અને 58 ધારાસભ્યોના અભૂતપૂર્વ બળવા પછી હવે મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના અસ્તિત્વ સામે જ સૌથી મોટો ખતરો ઊભો થયો છે. કોલકાતા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં ટીએમસીના સંસદીય દળના મોટા વિભાજનની સ્ક્રીપ્ટ લખાઈ ચૂકી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહની શરૂઆતમાં જ્યારે મમતા બેનરજી અને અભિષેક બેનરજી વિપક્ષી ‘ઈન્ડી’ ગઠબંધનની હાઈપ્રોફાઈલ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચશે, બરાબર એ જ સમયે પક્ષના ઓછામાં ઓછા ૨૨ સાંસદો બળવો પોકારીને પોતાની જાતને જ ‘અસલી ટીએમસી’ જાહેર કરી શકે છે. સંસદના બંને ગૃહોમાં આકાર લઈ રહેલા આ સંભવિત રાજકીય તખ્તાપલટની કમાન બારાસાતના લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના હાથમાં હોવાનું સામે આવ્યું છે. આ બાગી જૂથમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના દિગ્ગજ સાંસદો જોડાઈ રહ્યા છે.

બંગાળના આ અણધાર્યા રાજકીય ગરમાવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય અત્યારે દિલ્હીમાં જ ડેરા જમાવીને બેઠા છે. દિલ્હીમાં પત્રકારો સાથે ખાસ વાતચીત દરમિયાન રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ મોટો દાવો કર્યો હતો કે, “તૃણમૂલ કોંગ્રેસના અનેક સાંસદો સતત અમારા સંપર્કમાં છે અને તેમના પર સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. ટીએમસી હવે વીતેલા જમાનાની વાત બની ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં તે ઇતિહાસના એક નાના પ્રકરણ પૂરતી જ સીમિત રહી જશે.” બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ લોકેટ ચેટર્જીએ પણ સ્મિત સાથે આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ૪ મેના રોજ આવેલા ચૂંટણી પરિણામો બાદથી જ ટીએમસીના ઘણા સાંસદો ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ અને કોલ્સ દ્વારા સતત ભાજપ હાઈકમાન્ડના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પક્ષ બદલવા માટે તૈયાર બેઠા છે.

  • પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા 2/3 બહુમતીનું ગણિત

સંસદમાં સત્તાવાર રીતે વિભાજનને માન્યતા અપાવવા અને પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ અયોગ્ય જાહેર થવાથી બચવા માટે બાગી જૂથને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. લોકસભાનું ગણિત સમજીએ તો હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ લોકસભામાં ટીએમસીના 28 સભ્યો છે. જેમાંથી બળવાને કાયદેસરતા અપાવવા ઓછામાં ઓછા 19 સાંસદોની જરૂર પડશે. આવી જ રીતે રાજ્યસભામાં પક્ષના 13 સભ્યો છે, જેમાંથી ઓછામાં ઓછા 9 સાંસદોના સમર્થનની જરૂર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી છાવણીમાં અત્યારે બંને ગૃહોના મળીને કુલ 22 સાંસદોનો આંકડો તૈયાર થઈ ચૂક્યો છે, જે જરૂરી સંખ્યાબળની બેકએન્ડ ગણતરી સાથે આગળ વધી રહ્યો છે.

બાગી જૂથના એક મુખ્ય સૂત્રે સનસનીખેજ ખુલાસો કર્યો છે કે, આ તમામ સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને રૂબરૂ મળીને પોતાને જ અસલી તૃણમૂલ તરીકે માન્યતા આપવા પત્ર સોંપવાના છે. મમતા બેનરજી માટે આ બાબત અત્યંત પીડાદાયક સાબિત થશે, કારણ કે જ્યારે ફઈ-ભત્રીજો (મમતા અને અભિષેક) વિપક્ષી એકતા બતાવવા દિલ્હીમાં હાજર હશે, બરાબર ત્યારે જ તેમના પગ નીચેથી જમીન સરકાવતો આ મોટો રાજકીય ધડાકો જોવા મળશે. ટીએમસીના વરિષ્ઠ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ આ સંભવિત ભંગાણને સમર્થન આપતા સ્વીકાર્યું છે કે સંસદીય દળનું વિખરાઈ જવું હવે અનિવાર્ય છે.

  • 16માંથી 15 સાંસદોના ફોન સ્વિચ ઓફ

જ્યારે તૃણમૂલ કોંગ્રેસના અનેક સાંસદોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે પક્ષના 16માંથી 15 સાંસદોના ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા હતા. આ અંડરગ્રાઉન્ડ થયેલા સાંસદોમાં મનોરંજન જગતના જાણીતા સેલિબ્રિટીઝ, ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન અને પહેલીવાર સંસદમાં ચૂંટાઈને આવેલા યુવા ચહેરાઓનો સમાવેશ થાય છે. આ આખા બળવાના મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સનનું કથન અને ચાર્લ્સ મેકેની કવિતાઓ શેર કરીને પોતાની 4 દાયકા લાંબી રાજકીય સફરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પક્ષ સામે આર-પારની જંગનું એલાન કરતાં ચેતવણીભર્યા અંદાજમાં લખ્યું છે કે, ‘મધમાખીના પૂડામાં હાથ નાખશો નહીં.’

બીજી તરફ, કોલકાતામાં બાગી જૂથના નેતા અને નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીએ આ સમગ્ર ગંભીર સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, “આજે મારે કંઈક કામ હોવાથી મેં પક્ષના ૫ સાંસદોને ફોન કર્યો હતો, પણ બધાના ફોન એકસાથે બંધ આવતા હતા. હવે આનો જે મતલબ કાઢવો હોય તે તમે જાતે જ કાઢી લો. ડર ચેપી હોય છે, પરંતુ સાહસ પણ ચેપી હોય છે.” રાજકીય પંડિતોના મતે જો સોમવારે આ ભંગાણ સત્તાવાર થઈ જશે, તો મમતા બેનરજી માટે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધનમાં પોતાનું કદ જાળવી રાખવું અશક્ય બની જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code