Homeગુજરાતીદેશ-વિદેશજમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 10 મહિનામાં 15 આતંકવાદીઓ ઠાર મરાયાં

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 10 મહિનામાં 15 આતંકવાદીઓ ઠાર મરાયાં

શ્રીનગર, 18 નવેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાનને મોટી સફળતા મળી રહી છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી 18 નવેમ્બર સુધીમાં જુદા-જુદા વિસ્તારોમાં થયેલી અથડામણોમાં કુલ15 આતંકવાદીઓ ઠાર મરાયા છે. કઠુઆ, કિશ્તવાડ, ઉધમપુર, ગંદરબલ, શોપિયા, બડગામ અને કુલગામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળોએ આ આક્રમક કાર્યવાહીને અંજામ આપ્યો છે.

સુરક્ષાદળોના આંકડા મુજબ, આ વર્ષે સૌથી વધુ આતંકવાદીઓ ફેબ્રુઆરી મહિનામાં માર્યા ગયા હતા. ફેબ્રુઆરીમાં કિશ્તવાડના છત્રુ અને ઉધમપુર ખાતે થયેલી ત્રણ અલગ-અલગ અથડામણોમાં કુલ 6 આતંકીઓનો ખાતમો બોલાવાયો હતો. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ઉધમપુર અને બડગામમાં થયેલી કાર્યવાહીમાં 4 આતંકવાદીઓ તેમજ નવેમ્બર મહિનામાં કુલગામ ખાતે બે અલગ-અલગ ઓપરેશનમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

વર્ષની શરૂઆતથી જ સુરક્ષાદળોએ આતંકીઓ પર પકડ મજબૂત કરી હતી, જેના ભાગરૂપે 23 જાન્યુઆરીએ કઠુઆમાં થયેલી અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો. ત્યારબાદ 4 ફેબ્રુઆરીએ કિશ્તવાડના છત્રુમાં એક અને ઉધમપુરમાં બે મળી કુલ ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા, જ્યારે 22 ફેબ્રુઆરીએ છત્રુમાં જ વધુ એક મોટા ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરાયા હતા. આ ઉપરાંત 1 એપ્રિલે ગંદરબલમાં એક અને 8 જુલાઈએ શોપિયાંમાં એક આતંકવાદીને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.

સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં પણ સુરક્ષાદળોનું અભિયાન તેજ રહ્યું હતું. 4 સપ્ટેમ્બરે બડગામના અશદાર ગલી વિસ્તારમાં એક, 17 સપ્ટેમ્બરે ઉધમપુરના મજાલતા-બ્રટ્ટલ સોહન વિસ્તારમાં બે અને 29 સપ્ટેમ્બરે બડગામના યૂસમર્ગ-કોરાગ વિસ્તારમાં એક આતંકી ઠાર મરાયો હતો. તાજેતરમાં જ કુલગામ જિલ્લામાં 16 નવેમ્બરે એક અને 18 નવેમ્બરે વધુ એક આતંકવાદીને ઠાર કરીને સુરક્ષાદળોએ ઘાટીમાં આતંકી નેટવર્કને મોટો ફટકો પહોંચાડ્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img