ડિનરમાં બનાવો બીટનો સ્વાદિષ્ટ પુલાવ, જાણો સરળ રેસીપી
રાત્રિના ભોજનમાં જો તમે કંઈક નવું અને પૌષ્ટિક બનાવવા ઈચ્છતા હોવ, તો બીટરૂટ પુલાવ એક ઉત્તમ વિકલ્પ છે. આ પુલાવ માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ તેનો સ્વાદ પણ લાજવાબ હોય છે. બાળકોથી લઈને મોટેરાં સુધી દરેકને આ વાનગી ખૂબ જ પસંદ આવશે. તમે આ ગરમા-ગરમ પુલાવને દાળ તડકા, દહીં અથવા રાયતા સાથે પીરસીને ડિનરને ખાસ બનાવી શકો છો.
સામગ્રીઃ એક કપ બાસમતી ચોખા, એક ડુંગળી (જીણી સમારેલી), એક ચમસી આદૂ-લસણની પેસ્ટ, બે લીલા મરચા, અડધો કપ વટાણા, એક તેજપત્તા, એક ચમચી હડદળ, મીઠુ સ્વાદ અનુસાર, બે ઈલાયચી, એક ચમચી દાણાજીરી, અડધી ચમચી ગરમ મસાલો, નાનો ટુકડો તજનો, એક ચમચી જીરુ, બે ચમચી તેલ અથવા ધી, બે કપ પાણી અને બે ચમચી બારીક સમારેલી કોથમી
બનાવવાની રીતઃ સૌથી પહેલા બાસમતી ચોખાને પાણીથી બરાબર ધોઈ લો અને તેને 20-30 મિનિટ માટે પલાળી રાખો. બીટરૂટને ધોઈ, છોલીને તેના નાના ટુકડા કરી લો. ડુંગળી અને મરચાંને પણ ઝીણા સમારી લો. એક કડાઈમાં ઘી કે તેલ ગરમ કરો. તેમાં જીરું, તેજપત્તો, તજ, એલચી અને લવિંગ નાખો. ત્યારબાદ ડુંગળી અને મરચાં ઉમેરીને તેને સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં બીટરૂટના ટુકડા અને વટાણા ઉમેરીને થોડીવાર ચડવા દો. ત્યારબાદ હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે પલાળેલા ચોખામાંથી પાણી કાઢી તેને કડાઈમાં ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. ત્યારબાદ 2 કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કડાઈને ઢાંકી દો. ચોખા બરાબર ચડી જાય અને પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે પકવો. ગેસ બંધ કર્યા બાદ 5 મિનિટ સુધી ઢાંકણ ખોલશો નહીં જેથી પુલાવ બરાબર સેટ થઈ જાય. છેલ્લે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા-ગરમ સર્વ કરો.
આ પણ વાંચોઃ મિલ્કતોના દસ્તાવેજના ઈ-રજિસ્ટ્રેશનમાં હવે પ્રોસેસિંગ ફી વસૂલ કરાશે


