Homeગુજરાતીખોરાકઘરે બનાવો ઢાબા જેવા ટેસ્ટી પંજાબી સ્ટાઈલ મગ, જાણો રેસીપી

ઘરે બનાવો ઢાબા જેવા ટેસ્ટી પંજાબી સ્ટાઈલ મગ, જાણો રેસીપી

રેસીપી, 19 ઓગસ્ટ 2026:  આપણે રોજિંદા ખોરાકમાં મગ ખાતા હોઈએ છીએ, પણ જો એ જ મગને પંજાબી મસાલા અને કસુરી મેથીના ચટાકેદાર વઘાર સાથે બનાવવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર પંજાબી સ્ટાઈલ મગ ઘરના બાળકોથી લઈને વડીલો સૌ કોઈને ખૂબ જ પસંદ આવે છે.

પલાળેલા આખા મગ, ડુંગળી-ટમેટાંની ચટાકેદાર ગ્રેવી અને પંજાબી મસાલાનો સ્વાદ આ વાનગીને હોટલ જેવો ડાબા સ્ટાઇલ સ્વાદ આપે છે. જો તમે રોજના મગ ખાઈને કંટાળ્યા હોવ અને કંઈક નવું ને ધાબેદાર ટ્રાય કરવા માંગતા હોવ, તો આ સરળ  રેસીપી ટ્રાય કરો.

પંજાબી સ્ટાઈલ મગ રેસીપી

સામગ્રી

1 કપ આખા  મગ (3 કલાક પલાળેલા)

2 ટેબલસ્પૂન તેલ

1 ટીસ્પૂન જીરું

8-10 લીમડાના પાન

1 ચપટી હિંગ

1 ટીસ્પૂન કસુરી મેથી

1 ઝીણી સમારેલી  મધ્યમ ડુંગળી

1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ

1 ટીસ્પૂન સૂકું લસણ

1/4 ટીસ્પૂન હળદર પાઉડર

1 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર

1 ટીસ્પૂન લાલ મરચું પાવડર

1 ટીસ્પૂન પંજાબી મસાલો

સ્વાદ મુજબ મીઠું

1 ટમેટું, ઝીણું સમારેલું

1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું

1 ટીસ્પૂન લીંબુનો રસ

કોથમીર ગાર્નિશ માટે

પંજાબી સ્ટાઈલ મગ બનાવવાની રીત

 સૌ પ્રથમ 3 કલાક પલાળેલા આખા મગને ધોઈને કૂકરમાં લો. તેમાં મગ ડૂબે તેટલું પાણી અને સહેજ મીઠું ઉમેરીને મધ્યમ આંચ પર 2 થી 3 સીટી વગાડી બાફી લો. પંજાબી તડકા અને ગ્રેવી તૈયાર કરવી, એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું, 1 ચપટી હિંગ અને 8-10 લીમડાના પાન ઉમેરી સાંતળો.

હવે તેમાં ઝીણું સમારેલું આદુ અને લસણ ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો જેથી તેનો કાચો સ્વાદ જતો રહે, ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે ગુલાબી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ઝીણું સમારેલું ટમેટું ઉમેરો અને ટમેટાં એકદમ નરમ થઈ જાય ત્યાં સુધી પકાવો. ટામેટા ચડી જાય એટલે તેમાં હળદર પાવડર, ધાણા-જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, પંજાબી મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી 1-2 મિનિટ ધીમી આંચ પર સાંતળો. હવે તેમાં 1 ટીસ્પૂન કસુરી મેથીને હથેળીમાં મસળીને ઉમેરો. હવે ગ્રેવીમાં બાફેલા મગ ઉમેરો. જો ગ્રેવી વધુ ઘટ્ટ લાગે તો જરૂર મુજબ થોડું ગરમ પાણી ઉમેરી શકાય. બધું સરસ રીતે મિક્સ કરી ધીમા તાપે 4 થી 5 મિનિટ માટે ઉકાળો, જેથી બધા મસાલાનો સ્વાદ મગમાં સરસ રીતે ભળી જાય.

છેલ્લે ગેસ બંધ કરીને 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. તૈયાર થયેલા પંજાબી મગ પર ઝીણી સમારેલી કોથમીર છાંટીને ગાર્નિશ કરો. ગરમાગરમ પંજાબી સ્ટાઈલ મગને રોટલી કે જીરા રાઇસ સાથે સર્વ કરો!

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular