પાટણઃ જિલ્લાના હારીજના મામલતદારે પોતાની કચેરીના બિલ્ડિંગ પરની છત પરથી પટકાતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મામલતદાર વી.ઓ. પટેલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે સુસાઈડ નોટ્સ મળી નથી. મામલતદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેમના વતન દીઓદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હારીજના મામલતદાર V O પટેલે પોતાની કચેરીના ધાબા પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે સવારે 9થી 10 વાગ્યા વચ્ચે આ ઘટના બની તે વખતે કચેરીનો વોચમેન ત્યા જ હાજર હતો અને વોચમેનને જ સૌથી પહેલા આ ઘટનાની જાણ થઈ હતી. વોચમેને જણાવ્યું કે, સાહેબની ગાડી આવતાં જ મેં દરવાજો ખોલી આપ્યો, ‘હું ભસતા કુતરાઓને જોવા ગયો ત્યારે તેઓ નીચે લોહી લુહાણ પડ્યા હતા.
હારીજમાં મામલતદાર કચેરીના ધાબા ઉપરથી છલાંગ લગાવતાં જ મામલતદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ છલાંગ લગાવવા પાછળ શું કારણ હતું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
પોલીસ સમક્ષ વોચમેન કિરીટ પાઠકે એવું નિવેદન આપ્યુ હતું કે, સવારે 9થી 10 વચ્ચે સાહેબ પોતાની ગાડી લઈને કચેરીએ આવ્યાં હતા. ગાડી પાર્ક કરી હતી. ત્યારબાદ મને કહ્યું કે, ઓફિસમાં જવું છે. જેથી મે દરવાજો ખોલી આપ્યો હતો. જે બાદ સાહેબ કચેરી ઉપર ગયા હતા. જે બાદ 10થી 15 મિનિટમાં જ એક અવાજ આવ્યો હતો તેમજ કૂતરાઓ ભસતા હતા. જેથી કોઈ પડ્યુ હોય એવું મને લાગ્યું હતું. જેને પગલે હું જોવા માટે ત્યા ગયો હતો. ત્યા જઈને જોતા જ લોહી જ લોહી જોવા મળ્યું હતું જેથી હું ગભરાઈ ગયો હતો, અને સાહેબને જાણ કરવા ગયો હતો. પણ મામલતદાર સાહેબ ઉપર હતા નહી. જેથી મને લાગ્યું કે આ સાહેબ જ છે. જે બાદ ફરી હું જોવા આવ્યો હતો ત્યારે ખબર પડી કે આ તો મામલતદાર જ છે જેથી મે આ ઘટનાની જાણ અમારા સાહેબને કરી હતી.
હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવનાર વી. ઓ. પટેલ પહેલા પાટણમાં નાયબ મામલતદાર હતા, ત્યાંથી ચાણસ્મામાં નાયબ મામલતદાર તરીકે બદલી થઈ હતી, જે બાદ પ્રમોશન મેળવી લખપત મામલતદાર બન્યા ત્યારબાદ બદલી થતા બહુચરાજી મામલતદાર તરીકે આવ્યાં હતા. અને છેલ્લે જૂન 2022થી હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા