મેંગો મસ્તાની રેસીપી: ઉનાળાની ગરમીમાં ઠંડક આપશે આ રોયલ ડ્રિંક
ઉનાળો હોય અને કેરીની વાત ન નીકળે તેવું ભાગ્યે જ બને. આ સિઝનમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પ્રિય એવી ‘મેંગો મસ્તાની’ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. આ માત્ર એક ડ્રિંક નથી, પણ એક ક્રીમી ડેઝર્ટ છે જે પીધા પછી તમે પણ ખુશીથી મસ્ત થઈ જશો.
- સામગ્રી
કેરીના ટુકડા: ½ કપ (બ્લેન્ડ કરવા માટે)
ખાંડ: 2 મોટી ચમચી (સ્વાદ મુજબ)
ઠંડુ દૂધ: 1 કપ
વેનીલા આઈસ્ક્રીમ: 1/2 કપ (બ્લેન્ડ કરવા) + 4 સ્કૂપ (સર્વિંગ માટે)
ઝીણી સમારેલી કેરી: 8 મોટી ચમચી (ગાર્નિશિંગ માટે)
ડ્રાય ફ્રૂટ્સ: 2 ચમચી બદામ અને પિસ્તાના ટુકડા
ટુટી-ફ્રૂટી: 2 નાની ચમચી (રંગબેરંગી)
- બનાવવાની રીત
સૌથી પહેલા એક મિક્સર જારમાં 1/2 કપ કેરીના ટુકડા, ખાંડ, ઠંડુ દૂધ અને 1/2 કપ વેનીલા આઈસ્ક્રીમ ઉમેરો. આ બધી જ વસ્તુઓને સારી રીતે બ્લેન્ડ કરી લો જેથી એક સ્મૂધ અને ઘટ્ટ મેંગો શેક તૈયાર થઈ જાય. હવે એક મોટો કાચનો ગ્લાસ લો. તેમાં સૌથી નીચે 2 ચમચી સમારેલી કેરીના ટુકડા નાખો. તેની ઉપર તૈયાર કરેલો 1/4 કપ મેંગો શેક ઉમેરો. હવે ગ્લાસમાં 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ મૂકો. ફરી તેની ઉપર 2 ચમચી સમારેલી કેરીના ટુકડા નાખો. આ રીતે ગ્લાસ ભરાય ત્યાં સુધી લેયર બનાવો. ગ્લાસ પૂરો ભરાઈ જાય એટલે છેલ્લે ઉપરથી એક સ્કૂપ આઈસ્ક્રીમ મૂકી તેના પર બદામ-પિસ્તાની કતરણ અને ટુટી-ફ્રૂટી છાંટીને સજાવો. આ ઠંડી-ઠંડી મેંગો મસ્તાનીને તરત જ સર્વ કરો.


