
મણિપુર હિંસા: ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓની હત્યા સામે વિરોધ પ્રદર્શન યથાવત,આખા રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કરાયું
ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસક ઘટનાઓ શરૂ થઈ છે. સરકારે બુધવારે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કર્યું છે. વિગતો અનુસાર, 19 વિશિષ્ઠ પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યને આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ “અશાંત ક્ષેત્ર” જાહેર કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, સત્તાવાળાઓનું માનવું છે કે “વિવિધ ઉગ્રવાદી/વિદ્રોહી જૂથોની હિંસક પ્રવૃત્તિઓને કારણે સમગ્ર મણિપુર રાજ્યમાં નાગરિક વહીવટને મદદ કરવા માટે સશસ્ત્ર દળોના ઉપયોગની જરૂર છે.”
નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે “રાજ્યમાં છ મહિનાથી કાયદો અને વ્યવસ્થાની એકંદર સ્થિતિ અને રાજ્યના તંત્રની ક્ષમતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે હાલના વિક્ષેપિત વિસ્તારની પરિસ્થિતિ પર યથા સ્થિતિ બનાવી રાખવાનો નિર્ણય કર્યો છે”…. બાકાત 19 પોલીસ સ્ટેશન વિસ્તારો ઇમ્ફાલ, લામ્ફેલ, સિટી, સિંગજામેઇ, સેકમાઇ, લેમસાંગ, પાટસોઇ, વાંગોઇ, પોરોમ્પટ, હેઇંગાંગ, લામલાઇ, ઇરિલબુંગ, લીમાખોંગ, થૌબલ, બિષ્ણુપુર, નામ્બોલ, મોઇરંગ, કાકચિંગ અને જીરીબામ હેઠળ આવે છે.
બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના વિરોધમાં મંગળવારે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં વિદ્યાર્થી જૂથોએ વિશાળ વિરોધ રેલીઓ કાઢી હતી. વિદ્યાર્થીઓના સંગઠનોના વિઝ્યુઅલ ઓનલાઈન સામે આવ્યા બાદ મંગળવારે વિરોધનો એક નવો રાઉન્ડ શરૂ થયો. પ્રદર્શનકારીઓ રેપિડ એક્શન ફોર્સ (RAF) સાથે પણ અથડામણ કરી હતી, જેમાં ઓછામાં ઓછા 45 વિરોધીઓ ઘાયલ થયા હતા.
સંભવિત હિંસાની અપેક્ષાએ મણિપુર પોલીસ, CRPF અને RAFના જવાનોની મોટી ટુકડીઓ ઇમ્ફાલ અને રાજ્યના અન્ય ભાગોમાં તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે તેઓ “રાજ્યના લોકોને ખાતરી આપે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ગુનેગારોને પકડવા માટે સાથે મળીને કામ કરી રહી છે.” બંને યુવકોની હત્યાનો કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.