
અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગરીબો માટેના આવાસો કરોડોના ખર્ચે બનાવીને ફાળવાયા છે. ઘણા આવાસોમાં મુળ અરજદારોએ અન્યને ભાડે આપી દીધા છે. આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ હવે એએમસી દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે, અમે મકાનોમાં ગેરકાયદે ભાડુઆતો રહેતા હશે. તો કડક પગલાં ભરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મકાન મળી રહે તેના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે. મકાન મેળવનારા લાભાર્થીઓ સિવાય કેટલાક લોકો આવા મકાનમાં ભાડે ગેરકાયદેસર રીતે રહેતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ રીતે ગેરકાયદેસર રહેનારા લોકો અને નોટિસ આપી અને મકાન ખાલી કરવા માટે જણાવવામાં આવે છે. છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે આવા ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને અસામાજિક તત્વો મકાનો પર કબજો મેળવી લે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિના હાઉસિંગ પ્રોજેક્ટ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ કમિટીમાં પશ્ચિમ વિસ્તારના એક એસ્ટેટ અધિકારીને આ મામલે ખખડાવ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક આવાસ યોજનામાં કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય અને ગેરકદેસર રીતે લોકો રહેતા હોય તે અંગે વ્યાપક ફરિયાદો ઊઠી છે. ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને તત્વોને દૂર કરવા સૂચના આપવામાં આવી છે. લાભાર્થીઓની જગ્યાએ જો કોઈ મકાન ભાડે આપવામાં આવ્યું હોય અને ભાડુઆત રહેતા હોય તો આવા લોકોને ખાલી કરાવવા માટે સૂચના તમામ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. પરંતુ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને આવા અસામાજિક તત્વોની મિલીભગતના કારણે કોઈ પણ કાર્યવાહી થતી નથી. દરમિયાન હાઉસિંગ પ્રોજેક્ટના ચેરમેન જણાવ્યું હતું કે, 600થી વધુ નોટીસો આપવામાં આવી છે. જોકે, તેમાંથી અનેક ભાડુઆતો દ્વારા હજી સુધી મકાન ખાલી કરવામાં આવ્યા નથી. જેથી હવે ભાજપના સત્તાધીશો દ્વારા આવા તમામ આવાસ યોજનાના મકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. ખુદ ભાજપના જ ચેરમેન અને સભ્યો સાથે આવાસ યોજનામાં પહોંચી આવા ગેરકાયદેસર રહેતા લોકોને પોલીસને સાથે રાખી મકાન ખાલી કરાવવામાં આવશે.