Site icon Revoi.in

મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર ખાડાં પુરવા ચીકણી માટી પાથરતા અનેક વાહનો સ્લીપ થયા

Social Share

અમરેલીઃ મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખાડાં પડતા તંત્ર દ્વારા ચીકણી માટી રોડ પર પાથરવામાં આવી હતી. દરમિયાન વરસાદ પડતા રોડ ચીકણી માટીને લીધે લપસણો બની ગયો છે. આ ચીકણી માટીને કારણે અનેક વાહનો સ્લિપ થઈ રહ્યા છે, જેના પરિણામે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. રોડ પર ચીકણી માટીને લીધે અનેક દ્વીચક્રીવાહનો સ્લીપ થતાં બાઈક અને સ્કૂટચાલકોને ઈજાઓ થઈ છે.

મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઇવેની હાલત અત્યંત કફોડી છે અને છેલ્લા બે વર્ષથી અહીં સમારકામ ચાલી રહ્યું છે. ડુંડાસ ચોકડી પાસે આવેલા સ્ટેટ હાઈવે પર મોટા ખાડાઓ પડી ગયા હતા. વિભાગે આ ખાડાઓને ચીકણી માટીથી પૂરવાનું કામ કર્યું છે. પરંતુ સામાન્ય વરસાદમાં પણ આ માટી લપસણી બની ગઈ છે, જેના કારણે વાહનો સ્લિપ થવાની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તો અત્યંત જોખમી બન્યો છે. સહેજ પણ વરસાદ પડે તો માટી ચીકણી થઈ જાય છે અને વાહનો સ્લિપ થવા લાગે છે. વાહનચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇક હાઈવે પર પ્રવેશે કે તરત જ સ્લિપ થવાનું જોખમ રહે છે. ચોમાસાની સીઝનમાં ચીકણી માટીથી મરામત કરવાનો નિર્ણય યોગ્ય ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સમસ્યાના કારણે રોજ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તરફથી આ સમસ્યાના કાયમી સમાધાન માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.

મહુવા-સાવરકુંડલા રોડ પર ભાદરા ગામ નજીક નવો પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનમાં પણ ચીકણી માટી નાખવામાં આવતા સવારે એક ખાનગી લક્ઝરી બસ ત્યાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં રોડનું સમારકામ કરવા માટે ચીકણી માટીનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો, તેવો સવાલ ઉઠી રહ્યો છે.