
પોરંબદર, જાફરાબાદ, ઓખા સહિત 11 બંદરોના વિકાસ માટે પોર્ટ નજીકની જમીન મેળવતું મેરીટાઇમ બોર્ડ
ગાંધીનગરઃ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રાજયનાં તમામ સરકારી અને પ્રાઇવેટ પોર્ટને નિયંત્રિત કરે છે. મેરી ટાઈમ બોર્ડે તાજેતરમાં આશરે રર86 હેકટર જમીન પર કબજો કરી લીધો છે જેમાં 11 પોર્ટનો સમાવેશ થાય છે. આ પગલાને કારણે જીએમબીને બંદરોની આર્થિક ગતિવિધિઓના વિકાસમાં મદદ મળશે જેને પગલે 1ર પોર્ટ અને તેની આસપાસની જમીન સર્વેક્ષણ માટે લાંબા સમય ચાલી રહેલા મુદ્દા પર સમાધાન થશે.
મેરી ટાઈમ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ સર્વને તાત્કાલીક પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આવતા વર્ષોમાં બંદર ક્ષેત્રે મોટી માત્રામાં વૃધ્ધિ થવાની શકયતા છે. તે માટે રાજયના પોર્ટ પાસેની જમીન ખુબ કિંમતી છે. ભૂમિ સર્વેક્ષણ કોઇ કારણોસર પુરૂ નહોતું થયું. ટેકનીકલરૂપે જીએમબી તમામ પોર્ટની જમીનો પર માલિકી ધરાવે છે જોકે મુખ્યમંત્રીની ઇચ્છા હતી કે આ સર્વે ઝડપથી પૂર્ણ થાય. જીએમબી આ 2,286 હેકટર જમીનના ઉપયોગ માટે યોજના બનાવવા તેમજ તેનો દુરૂપયોગ રોકવાના ઉપાયો વિચારવાનો નિર્દેશ અપાયો છે. સરકાર તમામ બંદરોની ક્ષમતા વધારવા તથા આ બંદરોની આસપાસ સહાયક ઉદ્યોગોને વિકસીત કરવા માટેની યોજના બનાવી રહી છે. જેથી જીએમબીએ મેળવેલી આ નવી જમીન રાજયમાં બંદરોના વિકાસને માટે ઉપયોગી થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ 11 પોર્ટમાં પોરબંદર, જાફરાબાદ, ભાવનગર, જામનગર, ઓખા, અલંગ, વેરાવળ, માંડવી, મોરબી, મગદલ્લા અને ભરૂચનો સમાવેશ થાય છે. ગુજરાતમાં તાજેતરમાં જ નારગોલમાં એક ગ્રીનફિલ્ડ બંદરના વિકાસ માટે વૈશ્ર્વિક બોલીને આમંત્રણ આપ્યું હતું. રાજય સરકારને આ યોજનાનાં માધ્યમથી આશરે 4000 કરોડ રૂા.નું નવું રોકાણ મળી શકવાની આશા છે. સરકાર નારગોલ બંદરના વિકાસ માટે પ્રારંભિક બુટ (બિલ્ડઓન ઓપરેટ ટ્રાન્સફર)ની સમયમર્યાદાને 50 વર્ષ સુધી રાખી એક દ્રષ્ટાંત સ્થાપિત કરી રહી છે સામાન્ય રીતે રાજયમાં ગ્રીનફિલ્ડ બંદરોના વિકાસ માટે 30 વર્ષની સમયમર્યાદા રાખે છે.