- ગુજરાતમાં શહેરી વહીવટી તંત્રમાં મોટો ધરખમ ફેરફાર
હેમંત પરમાર, અરવલ્લી
મોડાસા, 25 ઓગસ્ટ, 2026 – ગુજરાતના શહેરી વહીવટી તંત્રમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યભરની નગરપાલિકા સંવર્ગના ૨૫ ચીફ ઓફિસરોની સાગમટે બદલી અને નવી નિમણૂકના આદેશો ૨૪ ઓગસ્ટે જારી કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી અનેક નગરપાલિકાઓમાં હવે નવા અધિકારીઓ જવાબદારી સંભાળશે, જ્યારે કેટલાક અધિકારીઓને પ્રાદેશિક કમિશનર કચેરીઓ અને મહાનગરપાલિકા કક્ષાએ નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ વહીવટી ફેરબદલમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાનો પણ સમાવેશ થયો છે. ગાંધીનગર ઝોનની પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી કચેરીમાં ફરજ બજાવતા મનોજ સોલંકીને મોડાસા નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ મોડાસામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભદ્રેશ પટેલની બદલી ધ્રાંગધ્રા નગરપાલિકામાં કરવામાં આવી છે. મોડાસા માટે આ ફેરફાર સ્થાનિક નાગરિક સેવાઓ, વિકાસકામો અને વહીવટી કામગીરીની દૃષ્ટિએ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
સરકારના આદેશ મુજબ માત્ર નગરપાલિકાઓમાં જ નહીં, પરંતુ પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી કક્ષાએ પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના ચીફ ઓફિસર કેશવ કોલડીયાને સુરત ઝોનના પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી, જ્યારે કલોલના ચીફ ઓફિસર નીતિન બોડાતને અમદાવાદ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. માણસાના ચીફ ઓફિસર સતિષ પટેલને ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી તરીકે મૂકવામાં આવ્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ફરજ બજાવતા રૂપલ ખેતીયાને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા સ્તરે પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર રવિકાંત પટેલની બદલી માણસા નગરપાલિકામાં કરવામાં આવી છે. તેમની જગ્યાએ વેરાવળ-પાટણના ચીફ ઓફિસર પારસ મકવાણાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી આપવામાં આવી છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. ખંભાતના વિશાલ પટેલને કલોલ, જ્યારે દહેગામના ઉમા રામીણાને બોરસદ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે. બોરસદના વિરાજ શાહને ડભોઈ અને ડભોઈના જયકિશન તડવીને ખંભાત ખાતે મોકલવામાં આવ્યા છે.
તે જ રીતે તારાપુરના કૈલાશ પ્રજાપતિને બારેજા, શહેરાના તેજલ મુંધવાને દહેગામ, ઉમરેઠના ભારતીબેન સોમાણીને શહેરા અને ચોટીલાના વિપુલ પનારાને ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય, પાટણ અને સુરેન્દ્રનગર વિસ્તારને સ્પર્શતા ફેરફારમાં મોડાસાના ભદ્રેશ પટેલને ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રાના મંતીલ પટેલને વિરમગામ અને વિરમગામના જયેશ પટેલને ચોટીલા નગરપાલિકામાં નવી જવાબદારી આપવામાં આવી છે. બારેજાના સંદીપસિંહ ઝાલાની રાપર, માંડવીના જીજ્ઞેશ બારોટની હારીજ અને નખત્રાણાના ભાવિન કાંધાણીની કેશોદ નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પણ વહીવટી ફેરબદલનો વ્યાપ જોવા મળ્યો છે. ગોંડલના અશ્વિન વ્યાસને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોંડલની ખાલી પડેલી જવાબદારી જામજોધપુરના બ્રિજરાજસિંહ વાળા સંભાળશે. ધોરાજીના જયમલ મોઢવાડિયાને જામજોધપુર અને કેશોદના મુકેશ વાઘેલાને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી અમદાવાદ, સુરત, ગાંધીનગર અને રાજકોટ સહિતના પ્રાદેશિક ઝોનમાં અધિકારીઓની નવી ટીમ કાર્યરત બનશે. સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની વિવિધ નગરપાલિકાઓમાં વહીવટી જવાબદારીઓનું પુનર્ગઠન થયું છે.
સરકારે તમામ સંબંધિત અધિકારીઓને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક અસરથી નવી નિયુક્તિના સ્થળે હાજર થઈ ચાર્જ સંભાળવા સૂચના આપી છે. પરિણામે આગામી દિવસોમાં વિવિધ નગરપાલિકાઓમાં વહીવટી કામગીરીમાં ઝડપી ફેરફાર જોવા મળી શકે છે.
શહેરી વિસ્તારોમાં નાગરિક સુવિધાઓ, સ્વચ્છતા, વિકાસકામો અને રોજિંદી વહીવટી સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. હવે નવી ટીમો પોતાના-પોતાના કાર્યક્ષેત્રમાં કેવી કામગીરી કરે છે અને સ્થાનિક સ્તરે નાગરિકોને તેનો કેટલો લાભ મળે છે, તેના પર સૌની નજર રહેશે.
મોડાસાથી લઈને રાજકોટ અને સુરતથી કચ્છ સુધી થયેલા આ વ્યાપક વહીવટી ફેરફારને રાજ્યના શહેરી તંત્રમાં મહત્વપૂર્ણ પુનર્ગઠન તરીકે જોવામાં આવી રહ્યો છે.


