
ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપીંડી કરનારો માસ્ટરમાઈન્ડ ઝબ્બે
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લોભામણી લાલચ આપીને રૂ. 2.67 કરોડની છેતરપીંડી આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ પ્રકરણમાં છેતરપીંડી આચરનારી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. આરોપીઓએ બોગસ કંપનીઓ ઉભી કરીને રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી કંપનીના નામે કરોડો રૂપિયા ઉધરાવ્યાં હતા. તેમજ ક્રિપ્ટો કરન્સી અને ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ ઉપર રોજનું એક ટકા કમિશનની લાલચ આપી બે બોગલ કંપનીઓ આરોપીઓ ઉભી કરીને રૂ. 2.65 કરોડની છેતરપીંડી આચરી હોવાની સુરતમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કરીને કંપનીના પ્રમોટર એવો મુખ્ય સુત્રધાર મનોજ પટેલ ફરાર થઈ ગયો હતો અને ચંદીગઢની હોટલમાં છુપાયો હતો. આ અંગેની માહિતીના આધારે સુરત પોલીસે ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો.
ટેક્ષ કન્સલટન્સીની પેઢી ધરાવતાં રામદયાલ વલ્લભદાસ પુરોહિતે જયપુરનાં મનોજ રામદીન પટેલ, યુસુફ ઉર્ફે શેરઅલી અને અવિકા વિજય મિશ્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર વર્ષ 2019માં રામદયાલ પરિચીત મારફતે મનોજ પટેલના સંપર્કમાં આવ્યાં હતા. મનોજે ફોરેક્ષ ટ્રેડિંગ તથા ક્રિપ્ટો કરન્સીમાં આરબીટ્રેજ ઉપર રોજનું એક ટકાનું વળતર આપવાની લાલચ આપી હતી. જેથી રામદયાલ અને તેમના ચાર પરિચીતોએ રૂ. 2.67 કરોડનું રોકાણ કર્યું હતું. પોલીસે આરોપી મનોજની ધરપકડ કરીને તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. મનોજના વોલેટમાં 15.64 લાખના બીટકોઈન મળી આવ્યાં હતા. પોલીસ તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ છેતરપીંડીના અન્ય ગુનાનો ભેદ ઉકેલાવાની શકયતા છે.