
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારની સાથોસાથ અન્ય સંગઠનો પણ મહામારીને કાબૂમાં લેવા આગળ આવી રહ્યાં છે. આવા જ એક પ્રયાસરૂપે અમદાવાદ મેડિકલ એસોસિયેશને GCCIને પત્ર લખી મહામારીને નાથવા માટે સાથે મળી કામ કરવાની સાથે કેટલાંક સૂચનો પણ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ મેડિકલ એસોએ જીસીસીઆઈને પત્ર લખીને જણાવ્યુ છે કે, ફક્ત ખૂબ જરૂરી હોય તેવી જ ઈન્ડસ્ટ્રીઝમાં કામ ચાલુ રાખવામાં આવે (શક્ય હોય તો અડધી ક્ષમતા સાથે), બાકીની ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે બંધ કરવામાં આવે. જેથી કોવિડના ચેપની સાંકળને તોડી શકાય. આ પગલું એક સ્વયં લોકડાઉન લાગુ કરવા જેવું છે, પરંતુ તે હાલની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. કારીગરોને સુપર સ્પ્રેડર બનતા અટકાવવા માટે તમામ કારીગરો માટે રસીકરણ ફરજિયાત બનાવવામાં આવે તે જરૂરી છે.
મેડિકલ એસોસિયેશને GCCIને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કોવિડ-19નું નવું સ્વરૂપ વધુ ઝડપથી શ્વસનતંત્ર તથા ફેફસાને ખૂબ ઝડપથી અસર કરતું હોવાથી વધુ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ગયા વર્ષે તબીબોએ અવલોકન કર્યું હતું કે, શ્વાસ લેવામાં તકલીફ અને ઓછું ઓક્સિજન પહોંચવાની તકલીફ સાતમા કે નવમા દિવસે થતી હતી, જે આ વખતે બીજા અથવા ત્રીજા દિવસે જ જોવા મળી રહી છે. આ વર્ષે વાઈરસ યુવાન પેઢી તથા બાળકોને પણ અસર કરી રહ્યો છે, જેથી મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. એક સારા નાગરિક તરીકે આ કટોકટીમાંથી બહાર આવવા અમે વેપારી મહામંડળને કેટલાંક સૂચનો કરી રહ્યાં છે, જે ચેપની સાંકળને તોડવામાં મદદરૂપ થઈ શકે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ કોરેન્ટાઈન સેન્ટર કાર્યરત કરાયું છે. ચેમ્બરના કોઈ સભ્ય તેમના પરિવારજનો કોઈ સંજોગોમાં કોરોનાથી સંક્રમિત થાય અને તેમને કોરેન્ટાઈન કરવા માટેની પુરતી વ્યવસ્થા ન હોય તો તેઓ ચેમ્બર દ્વારા કાર્યરત કરાયેલા સેન્ટર પર કોરેન્ટાઈન થઈ શકશે.