Site icon Revoi.in

PMના 75મા જન્મદિને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના પોતાના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ 2.૦’ થીમ અંતગર્ત  આયોજિત વિશ્વનું સૌથી મોટા ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું ઉદ્ઘાટન કર્યું હતું.

આ અવસરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ-2.૦ અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોદીજીના ‘સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે રક્તદાન માત્ર જીવન બચાવવા માટે નથી તે સમુદાયોને મજબૂત કરવા અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પણ છે. આ કાર્યક્રમ થકી કરોડો લોકોને નવી પ્રેરણા પણ મળી રહી છે. આપણે ઘણા મોટા નેતાઓનો જન્મદિવસ મોટી કેક કાપતાં કે પછી હાર પહેરાવતાં જ જોયો છે, પરંતુ મોદીજીના શાસનમાં આ બધું જાણે કે બદલાઈ ગયું હોય એમ એમનો જન્મદિવસ લાખો કરોડો લોકો માટે હસવાનું તેમજ ચહેરા ઉપર ખુશીનું કારણ બન્યું છે.

ગૃહરાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે દેશના વડાપ્રધાન  માટે કોઈ સમાજ તેમજ સંસ્થા દ્વારા આટલા મોટા પાયા પર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું એ ખૂબ સહારાનીય છે. આ અવસરે ગૃહરાજ્યમંત્રીએ આ ઉમદા કાર્યને તેમજ ભવ્ય સફળતા અપાવવા માટે એક સાથે આવી રહેલા તમામ આયોજકો અને હજારો રક્તદાતાઓનો આભાર વ્યક્ત પણ કર્યો હતો.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત પણ લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતગર્ત 75 દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય છે. આ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.